ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધ્વનિપરિવર્તન


ધ્વનિપરિવર્તન : ભાષામાં પરિવર્તન થાય એની જાણ એક ભાષાના બે જુદા જુદા સમયની ભાષાના લેખિત પુરાવાની તુલના કરવાથી કે ભૌગોલિક રીતે નજીક નજીક આવેલી બે બોલી કે ભાષાના પુરાવાની તુલના કરવાથી થાય. ભાષામાં પરિવર્તન શા માટે થાય તેનાં કારણો શોધવાનાં ન હોય. જે કારણો રજૂ કરવામાં આવે તે બધી ધારણાઓ જ હોય. ખરેખર તો પરિવર્તનની દિશા જ સમજવાની હોય અને પરિવર્તન પાછળની પ્રક્રિયા જ સમજવાની હોય. ધ્વનિપરિવર્તન એટલે કાળક્રમે ભાષાના ધ્વનિઓમાં થતું પરિવર્તન. ધ્વનિપરિવર્તનનું કાર્ય : ધ્વનિપરિવર્તન એક બાજુ પોતાની પૂર્વધારણાઓના પાયાને તપાસે છે, તો બીજી બાજુ ભાષાપરિવર્તન માટેના સામાન્ય સિદ્ધાન્તોમાં ધ્વનિપરિવર્તનનું સ્થાન શું છે તેની તપાસ કરે છે, એટલું જ નહીં, તે ભાષાપરિવર્તનનાં લક્ષણો/ગુણધર્મો, ભાષા પર પડતી તેની અસર, ભાષાના પુનર્ગઠન માટેની શક્ય કાર્યપદ્ધતિ પણ તપાસે છે. સાથોસાથ ભાષાનાં જે પાસાં પરિવર્તન પામ્યાં, લુપ્ત થયાં કે નવાં ઘડાયાં તેને પુન :પ્રાપ્ત કરવા કે ઓળખવા માટેના સિદ્ધાન્તોની પણ ચકાસણી કરે છે. ધ્વનિપરિવર્તનનાં લક્ષણો : ધ્વનિપરિવર્તન એક ઘટના પણ છે અને એક પ્રક્રિયા-વ્યાપાર પણ છે. ઘટના એ રીતે કે ભાષાની આગલી ભૂમિકા કરતાં નવા ધ્વનિઘટકો દેખાય કે જૂના ધ્વનિઘટકો પરનાં નિયમનો પલટાયેલાં દેખાય. આ પરિવર્તનો કઈ પ્રક્રિયાથી સધાય તે વ્યાપારનું પાસું દર્શાવે. ધ્વનિપરિવર્તન નિયમિત અને અનાવર્તક(irreversible) હોય છે. ધ્વનિઓ જેમાં સંડોવાયા હોય તેના સમગ્ર રૂપાખ્યાનને અસર કરે. આમ એને માત્ર ધ્વન્યાત્મક શરતો – અનુબંધ જ હોય. જેમકે રૂપના આદિસ્થાને રહેલા ‘ખ’ ભાષાના બીજા તબક્કામાં ‘હ’ થાય તો આ પરિવર્તન એકસરખી રીતે બધી જ કોશગત અને વ્યાકરણગત ઉપસ્થિતિને અસર કરે. અલબત્ત, ધ્વનિપરિવર્તનને પાછળથી થયેલાં પરિવર્તનો ક્ષુબ્ધ કરે ખરાં. જેમકે પાડોશીભાષા કે ભૂમિકામાંથી સ્વીકૃત કરેલાં તત્ત્વો કે પછી સાદૃશ્ય પરિવર્તનો પણ તેને ક્ષુબ્ધ કરે, ધ્વનિપરિવર્તનની અસરને ભૂંસી નાંખે કે અટકાવે પણ ખરાં. અનાવર્તકતા એટલે એકવાર ધ્વનિપરિવર્તન પ્રવર્તે એની અસર વ્યાકરણ અને શબ્દભંડોળ પર એટલી વ્યાપક અને વિખરાયેલી હોય કે પછી એ પરિવર્તન પાછું ન ફરી શકે. ભાષાકીય પુનર્ગઠન માટે આ લક્ષણ અત્યંત મહત્ત્વનું છે. ઐતિહાસિક તુલનાત્મક ભાષાઅભ્યાસે એના ઉપયોગ દ્વારા ચમત્કારિક પરિણામો મેળવ્યાં છે. ધ્વનિપરિવર્તન નિયમિત હોવાથી તેની દિશા નક્કી કરી શકાય અને એનું અનુમાન પણ થઈ શકે. અનુમેયતા માટે, અલબત્ત, સ્વીકૃત તત્ત્વો અને સાદૃશ્ય પરિવર્તન એમાં અવરોધક બની શકે પરન્તુ એ બેની અસરને સમજાવી શકાય. એ બંને સપાટી પરની પ્રકિયા છે, જ્યારે ધ્વનિપરિવર્તન ઊંડી પ્રક્રિયા છે. ધ્વનિપરિવર્તનો સૂક્ષ્મ પ્રકારનાં હોય છે અને એ વ્યક્તિમૂલક નહીં પણ આખા સમાજની દેણ હોય છે. ધ્વનિપરિવર્તનના પ્રકારો : ધ્વનિપરિવર્તન મુખ્યત્વે બે પ્રકારનાં ગણાવી શકાય. ૧, ધ્વનિપરિવર્તન અને ૨, ધ્વનિઘટક પરિવર્તન. ધ્વનિપરિવર્તન ધ્વનિ ઉત્પન્ન કરવામાં ભાષકની ટેવથી થતાં પરિવર્તનને સમાવે. ધ્વનિપરિવર્તનો મોટાભાગે સાર્વત્રિક એવા ધ્વનિનિયમોને લીધે થાય. જેમકે તાલવ્યકરણના નિયમને લીધે ડોસી>>ડોશી, માસી>>માશી, કાકી>>કાચી, કેટલે>>ચેટલે પાછળ આવતા તાલવ્ય સ્વર ‘ઈ’ અને ‘એ’ને લીધે દંતમૂલાય ‘સ’નો તાલવ્ય ‘શ’ થાય, તથા કોમલતાલવ્ય ‘ક’નો તાલવ્ય ‘ચ’ થાય. પ્રતિપૂરક દીર્ઘકરણના નિયમને લીધે સપ્ત>>સાત, હસ્ત>>હાથ, ધ્વન્યાત્મક પરિવૃત્તિ(Phonetic shift)ના આધારે મહાપ્રાણ>> અલ્પપ્રાણ, બે સ્વર વચ્ચે આવતા અઘોષ>ઘોષ, બે સ્વર વચ્ચે આવતા ‘સ’>‘હ’ જેમકે સં. ઉલ્લંઘ>>ગુ. ઓળંગતું, સં. કુસુંભ>ગુ. કસુંબો, (ઘ>ગ, ભ>બ) સં. કાક> કાગ, સં. પ્રકટ>ગુ. પ્રગટ. (ક>ગ) આસામીમાં આસામ>આહોમ. (સ>હ). ધ્વનિઘટક પરિવર્તન ધ્વનિના સંરચનાત્મક ઘટકોમાં થતાં પરિવર્તનોને અને તેમની વચ્ચેના સંબંધોને સમાવે. ધ્વનિઘટકપરિવર્તનો બે પ્રકારનાં છે : ૧, ધ્વનિતંત્રીય : એક ઘટકના બે ઘટક થવા, જેને વિભાજન (split) તરીકે ઓળખાવી શકીએ અને ૨, ધ્વનિતંત્રીય : બે ઘટકનો એક થવો, જેને વિલયન (merger) તરીકે ઓળખાવી શકીએ. ધ્વનિઘટકના વિભાજનમાં સૌપ્રથમ ઉપધ્વનિમાં પરિવર્તન ઉદ્ભવે, તેની ઉપરનાં નિયમનો બદલાય. તેથી ધ્વન્યાત્મક પરિવર્તનનું અનુમાનપૂર્વધારણા ન થઈ શકે. અંતે ઉપધ્વનિઓને ધ્વનિઘટકનો મોભો પ્રાપ્ત થાય. ધ્વનિઘટકનું વિલયન ઉપધ્વનિના પુનર્વિવાચન (reinterpretation)ની સૂક્ષ્મ પ્રક્રિયા દ્વારા અસ્તિત્વમાં આવે. જેમાં ઉપધ્વનિઓ સૂચક નહીં એવાં પરિવર્તનોને લીધે એકસરખા બને. ધ્વનિઘટકનું વિભાજન કાં તો પૂર્ણ હોય કાં તો આંશિક. જૂની ગુજરાતીનો ‘અઈ’ ધ્વનિઘટક ગુજરાતીમાં આવતાં ‘એ’ અને ‘ઍ’ બે ધ્વનિઘટક તરીકે વિકસ્યો. તેમજ જૂની ગુજરાતીનો ‘અઉ’ ધ્વનિઘટક ગુજરાતીમાં આવતાં બે ધ્વનિઘટક ‘ઓ’ અને ‘ઑ’ તરીકે વિકસ્યો. ‘ઍ-ઑ’ પહેલા અને ઉપાંત્ય અક્ષરમાં અને ‘એ, ઓ’ અન્યત્ર. જેમકે જૂ.ગુ. મઈલ્લઊં>ગુ. મૅલું, જૂ.ગુ. વઈરુ>ગુ. વૅર, જૂ.ગુ. ધઉલ>ધોળું, જૂ.ગુ. ભાઉજાઈ, ભઉજાઈ>ભોજઈ. ધ્વનિઘટકનું વિલયન કાં તો પૂર્ણ હોય કાં તો આંશિક. પૂર્ણ વિલયનનાં ઉદાહરણો : સંસ્કૃતના ‘ળ’ અને ‘લ’ હિન્દીમાં ‘લ’ બન્યા. સંસ્કૃતના ‘ણ’ અને ‘ન’ હિન્દી અને બંગાળીમાં ‘ન’ બન્યા, સંસ્કૃતના ‘બ’ અને ‘વ’ બંગાળીમાં ‘બ’ બન્યા. સંસ્કૃતના ‘શ’ અને ‘સ’ બંગાળીમાં ‘શ’ બન્યા, તો આસામીમાં ‘સ’ બન્યો. જૂની ગુજરાતીનાં ‘ઈ’ અને ‘એ’ ગુજરાતીમાં તૃતીયા અને સપ્તમીમાં ‘એ’ બન્યાં. જૂની ગુજરાતીનાં ‘ઓ’ અને ‘ઉ’ ગુજરાતીમાં કર્તા એકવચનમાં ‘ઓ’ બન્યાં. આંશિક વિલયનના ઉદાહરણમાં સંસ્કૃતનો ‘ખ’ પ્રાકૃતમાં બે સ્વર વચ્ચે આવતાં ‘હ’ થયો. જેમકે સં. નેખર>પ્રા. नर અન્યત્ર ‘ખ’ જ રહ્યો. સં. ખડ્ગ પ્રા. ખગ્ગ અને સંસ્કૃતનો ‘હ’ પ્રાકૃતમાં ‘હ’ જ રહ્યો. જેમકે वति>वई. ધ્વનિપરિવર્તનની અસરો : ધ્વનિપરિવર્તનને લીધે વ્યાકરણી વ્યવસ્થા પણ પલટાય. જેમકે વિલયનની પ્રક્રિયાથી જૂની ગુજરાતીમાં ક્રિયાપદના ત્રીજો પુરુષ એકવચનનો પ્રત્યય ‘અઈ’ અને ત્રી.પુ.બ.વ.નો પ્રત્યય અઈં નવી ગુજરાતીમાં આવતાં ‘એ’ રૂપે વિકસ્યો. તેથી ‘કરે’ ત્રી.પુ.એ.વ. તેમજ બ.વ.નું રૂપ ગણાય. વિભાજનની પ્રક્રિયાથી જૂની ગુજરાતીમાંથી નવી ગુજરાતીમાં આવતાં વ્યંજનાંત નામોનાં રૂપો એ.વ. અને બ.વ.માં જુદાં રૂપો તરીકે વિકસ્યાં. જેમકે ઘર(એ.વ.) ઘરો (બ.વ.); માણસ(એ.વ.), માણસો(બ.વ.) વગેરે ધ્વનિ પરિવર્તનની દૂરગામી અસર સારૂપ્ય(assimilation), વૈરૂપ્ય (dissimilation.) ધ્વનિ આગળ, ધ્વનિલોપ વગેરેમાં પણ જોઈ શકાય. ઊ.દે.