ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પત્રકારત્વ



પત્રકારત્વ : જનસમૂહને સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની ગતિવિધિઓના સમાચાર, માહિતી અને વિવેચના આપતું પત્રકારત્વ વર્તમાન સમયનું પ્રભાવક પરિબળ ગણાય છે. પત્રકારત્વનું સૌથી જૂનું અને વ્યાપકપણે ઓળખાતું સ્વરૂપ તે મુદ્રણ માધ્યમનું પત્રકારત્વ છે. લાંબા સમય સુધી દૈનિકો અને સામયિકોનો જ પત્રકારત્વમાં સમાવેશ થતો હતો, પરંતુ હવે પેમ્ફલૅટ, ન્યૂઝલેટર, દૈનિકપત્ર, સામયિક અને પુસ્તકો જેવાં મુદ્રણ માધ્યમો ઉપરાંત રેડિયો, ફિલ્મ અને ટેલિવિઝન જેવાં વીજાણુ માધ્યમોનો પત્રકારત્વમાં સમાવેશ કરવામાં આવે છે. પ્રારંભમાં પત્રકારત્વમાં વર્તમાન બનાવોને વિશેષે કરીને દૈનિકોમાં મુદ્રિત કરવામાં આવ્યા હોય એટલો જ અર્થ સમાવિષ્ટ હતો, પરંતુ વીસમી સદીમાં રેડિયો અને ટેલિવિઝનનું આગમન થતાં વર્તમાન બનાવો સાથે સંબંધિત તમામ મુદ્રણ અને વીજાણુ માધ્યમો એવો કરવામાં આવે છે. માધ્યમોનો વ્યાપ વધ્યો હોવા છતાં સમાચારોનું વિતરણ અને એનું અર્થઘટન કરવાનું એનું મુખ્ય કાર્ય પરિવર્તન પામ્યું નથી. પત્રકારત્વને ‘ઉતાવળે લખાયેલું સાહિત્ય’ કહેવામાં આવે છે જે વાસ્તવમાં તો પત્રકારની ઝડપી કાર્યશૈલીને દર્શાવે છે. પ્રારંભમાં પત્રકારત્વ એ રાજકીય સત્તા ધરાવનારાઓને માટે વિચારપ્રદર્શનનું આક્રમક માધ્યમ હતું. અને એમાં ખરેખર કાર્ય કરનારા લોકો કુશળ રાજસેવકો બની ગયા હતા. સત્તરમી સદીમાં ફ્રાંસમાં સામયિકોનો પ્રારંભ થયો તો અઢારમી સદીમાં બ્રિટનના પત્રકારત્વે દૈનિક અને સામયિકની ભેદરેખા સ્પષ્ટ કરી આપી. અમેરિકન ક્રાંતિના સમયે દૈનિકોએ રાજકીય વિચારો આલેખ્યા અને એ પછી અમેરિકાના રાષ્ટ્રીય વ્યક્તિત્વના પ્રાગટ્ય માટે અને નવી સંસ્કૃતિ રચવા માગતા લેખકોને માટે સામયિકનું પત્રકારત્વ વિચારમંચ બન્યું. વીસમી સદીમાં વીજાણુ માધ્યમોના પ્રસાર છતાં અખબારોના પત્રકારત્વે છેલ્લાં પચાસ વર્ષમાં વધુ વાચનક્ષમ અને આકર્ષક સ્વરૂપ ઊભું કરીને અખબારોનો પ્રભાવ જાળવી રાખ્યો છે. એણે માત્ર સ્થૂળ હકીકતો આપવાને બદલે સમાચારોની સમજણ અને એનું અર્થઘટન આપવાનું કાર્ય કર્યું જ્યારે વીસમી સદીના સામયિકના પત્રકારત્વે ડાયજેસ્ટ, ચિત્રમય સામયિક અને સમાચારલક્ષી સામયિક તરીકે વિકાસ સાધ્યો. વિશ્વના લોકશાહી દેશોમાં પ્રમાણભૂત અને સાચા હેવાલો માટે પત્રકારત્વ મહત્ત્વનું માધ્યમ બન્યું. આવા દેશો સરકારી દખલ વિના સમાચાર અને મંતવ્ય પ્રગટ કરવાનું અખબારી સ્વાતંત્ર્ય આપીને નાગરિકોને પરસ્પર વિચાર-વિનિમયની મોકળાશ આપે છે જ્યારે સરકારનો અંકુશ ધરાવતું પત્રકારત્વ રાજ્ય કે રાષ્ટ્રના વાજિંત્ર જેવું બની જાય છે અને સરકારની નીતિ પ્રમાણે ચહેરાનો રંગ પલટે છે. સમાચારપત્રો, સમાચાર એજન્સીઓ, સામયિકો, રેડિયો અને ટેલિવિઝન એ પત્રકારત્વનાં પાંચ મુખ્ય ક્ષેત્રો છે. વિજ્ઞાપન, પુસ્તક પ્રકાશન અને જનસંપર્ક એ એના આનુષંગિક કાર્યપ્રદેશો છે. આજના સંકુલ અને ઝડપથી પરિવર્તિત જગતમાં પત્રકારત્વની સંસ્થાઓનું ઉત્તરદાયિત્વ ઘણું મોટું અને અસરકારક છે. પ્રી.શા.