ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિસંખ્યા


પરિસંખ્યા : કોઈક પ્રશ્નના ઉત્તર રૂપે થયેલું વિધાન કે પ્રશ્ન વિના થયેલું કેવળ વિધાન તેને સમાન અન્ય વસ્તુની વ્યાવૃત્તિ માટે કારણભૂત બને ત્યારે પરિસંખ્યા અલંકાર બને છે. ‘પરિસંખ્યા’ મીમાંસાશાસ્ત્રનો પારિભાષિક શબ્દ છે જેમાં મુખ્યત્વે બીજાના પરિવર્જનનો હેતુ હોય તે પરિસંખ્યા. પરિવર્જનબુદ્ધિ કે વ્યાવૃત્તિ જ આ અલંકારની આધારશિલા છે. સમાન અન્યને બાકાત કરતું વિધાન પ્રશ્નપૂર્વક તેના ઉત્તરરૂપે હોય કે પ્રશ્ન વિનાનું હોય. વળી, તેમાં કરાયેલી વ્યાવૃત્તિ વાચ્ય હોય કે ગમ્ય હોય : જેમકે, “ભૂષણ શું? સુદૃઢ યશ, રત્નો નહિ, કાર્ય શું? આર્યોએ આચરેલાં, સુકૃત્યો, દોષ નહિ.” અહીં યશ અને આર્યોએ આચરેલાં સુકૃત્ય અનુક્રમે રત્ન અને દોષની વ્યાવૃત્તિ કરે છે. જ.દ
.