ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુરાણીપરંપરા



પુરાણીપરંપરા : સોળમા-સત્તરમા શતકમાં પરદેશીઓ, પરધર્મીઓના શાસનકાળમાં સ્ત્રી-શૂદ્ર, અભણજનોને સંસ્કૃત કાવ્યપુરાણોના કથાપ્રસંગોના સીધા અનુવાદો દ્વારા ધર્મ-તત્ત્વજ્ઞાનનો રસ પાઈ જીવનરસ ટકાવવાનું કાર્ય કથાકારોએ કર્યું. બહુધા સાધારણ સંસ્કૃત જાણનાર લોકાશ્રયી બ્રાહ્મણ કથા કરતો. વધારે સારું સંસ્કૃત જાણકાર ભાગવત્, શિવપુરાણાદિમાંથી ચાતુર્માસ દરમ્યાન શ્લોકાનુવાદની રીતે મંદિર, ધર્મશાળામાં કે ઓટલા ઉપર કથા કરતા. એ પુરાણીઓ કહેવાતા. રામાયણ-મહાભારતની કથા કહેનાર વ્યાસજી (કથાવ્યાસ) કહેવાતા. ભારતવર્ષ પર ફરીવળેલાં ભક્તિઆંદોલનોએ, લોકભાષામાં ઉપદેશની અને સ્ત્રી-શૂદ્રાદિ માટે ભક્તિદ્વાર ખુલ્લાં મૂકવાની રામાનંદની ઘોષણાએ પ્રાંતપ્રાંતના ભક્તહૃદયમાં, કવિહૃદયમાં ચેતના આણી. ગુજરાતમાં રામાયણ-મહાભારત, ભાગવાતાદિ પુરાણાધારિત આખ્યાનો રચાવા માંડ્યાં, કથાઓ થવા માંડી. સંસ્કૃત પુરાણીઓનો યુગ આથમતાં ગાગરિયા ભટ્ટ (માણ ભટ)નો યુગ શરૂ થયો, જેમણે ગુરુશિષ્યની પરંપરાએ ઊતરી આવેલાં આખ્યાનો રચી, ગાઈ, કથાવ્યાસોએ, પુરાણીઓએ ધર્મસંરક્ષણ, સંસ્કાર સાતત્યનું જે કાર્ય કરેલું તે કાર્ય માણના તાલ સાથે (કેટલાકે અભિનય સાથે) નાટક સંગીતનો આનંદ આપી કર્યું. સૌરાષ્ટ્રમાં ભાટ-ચારણોની કથા-શૈલી જેવી, મહારાષ્ટ્રમાં વિકસેલી હરિકીર્તન(હરદાસ)ની સંસ્થા જેવી આગવી ગુજરાતની આ માણભટ્ટ શૈલીનું સાતત્ય પ્રેમાનંદનાં આખ્યાનોને આધારે વડોદરાના શ્રી ધાર્મિકલાલ પંડ્યા, એમના સુપુત્રો પ્રદ્યુમ્ન-મયંક જાળવી રહ્યા છે. દે.જો.