ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રકાર


પ્રકાર (Genre) : ફ્રેન્ચ સંજ્ઞા ‘ઝાંર’, કોઈ ચોક્કસ સ્વરૂપ રચનારીતિ કે વિષયસામગ્રી સહિતની સાહિત્યિક રચનાનો પ્રકાર કે વર્ગ સૂચવે છે. બીજી રીતે કહીએ તો કોઈ ચોક્કસ પ્રકાર કે વર્ગ, જેમાં કોઈ સાહિત્યકૃતિને વર્ગીકૃત કરી શકાય. મહાકાવ્ય, ઊર્મિકાવ્ય જેવા સ્વીકૃત પ્રકારોનો નિર્દેશ કરતી આ સંજ્ઞા પાછળ એક વ્યવસ્થાસાધક સિદ્ધાન્ત રહ્યો છે. દરેક પ્રકાર પોતાના વિશિષ્ટ નિયમો અને એની પ્રણાલિઓનું એ રીતે અનુસરણ કરે છે કે વાચકો એને અન્ય પ્રકાર સાથે સેળભેળ ન કરી શકે. પશ્ચિમમાં પંદરમી સદીથી અઢારમી સદી સુધી સાહિત્યપ્રકારના ભેદ સ્પષ્ટ હતા. આ પછી પ્રકારો પરત્વે નિસ્બત ઓછી રહી. પરંતુ ફરી આજે શિકાગો વિવેચકજૂથે પ્રકારસિદ્ધાન્તની પુનર્વ્યાખ્યા કરી એની નિસ્બત ઊભી કરી આપી છે. વાચન દરમ્યાન સ્વાભાવિકીકરણની પ્રક્રિયામાં પણ પ્રકારવિચાર સહાયક નીવડે છે; એવું અભિગ્રહણ સિદ્ધાન્તે સ્વીકાર્યું છે. પ્રકારોમાં આવતું પરિવર્તન અને તેમ છતાં જળવાતાં એનાં વ્યાવર્તક લક્ષણો સંદર્ભે ઉત્ક્રાંતિશીલ દૃષ્ટિબિંદુએ પણ પ્રવેશ કર્યો છે. સાહિત્યપ્રકારના ત્રિસ્તરીય સિદ્ધાન્ત પ્રમાણે મૂળભૂત પ્રકારો (Basic Genres) ઊર્મિકાવ્ય, મહાકાવ્ય અને નાટ્યને ઓળખાવી શકાય; પ્રકાર સ્વરૂપો(Genre types)માં સૉનેટ, નવલકથા અને સુખાન્ત નાટ્યને ઓળખાવી શકાય; તો, વિશિષ્ટ પ્રકારો(Special Genres)માં પ્રણય સૉનેટ, ઐતિહાસિક નવલકથા ને રાજકીય પ્રહસનને ઓળખાવી શકાય. ચં.ટો.