ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતીકવાદ


પ્રતીકવાદ(Symbolism) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રેન્ચ કવિતામાં ઉદ્ભવેલો સાહિત્યિકવાદ. ૧૮૮૬માં જ્યાં મૉરિઆસે પ્રગટ કરેલા ખરીતાથી પ્રતીકવાદનો પ્રારંભ થયો કહેવાય પરંતુ શાર્લ બૉદલેરની કવિતામાં પ્રતીકવાદના અંકુર ફૂટી ચૂક્યા હતા. બૉદલેર સિવાય સ્ટિવન માલાર્મે, પૉલ વર્લેં, આર્થર રેમ્બો, પૉલ વાલેરી એ પ્રતીકવાદના પ્રમુખ કવિઓ ગણાય છે. પ્રતીકવાદી કવિતાને ફ્રેન્ચ રોમેન્ટિક કવિતાનો નવઅવતાર કહી શકાય. વાસ્તવવાદ અને પાર્નેશિયન કવિઓના પ્રતિકાર રૂપે પ્રતીકવાદી કવિતાએ જન્મ લીધો. વસ્તુનું તટસ્થ ભાવે તાદૃશ આલેખન કરવાની જિકર કરતા પાર્નેશિયન કવિઓની વાતનો અસ્વીકાર કરી પ્રતીકવાદી કવિઓએ રોમેન્ટિક કવિઓની જેમ વસ્તુએ કવિના ચિત્તમાં જગાડેલાં લાગણીને વિચારને કવિના આત્મલક્ષી અનુભવને, આલેખવા પર ભાર મૂક્યો. પરંતુ રોમેન્ટિક કવિતાથી પણ તેઓ ઘણા દૂર ફંટાયા. લાગણીનું સીધું કથન, લાગણીવિવશતા, લાગણીશીલતા, વાગ્મિતા, સામાજિક કે રાજકીય વિષયો ને ઉપદેશાત્મકતા એ રોમેન્ટિક કવિતાની લાક્ષણિકતાઓનો તેમણે પરિહાર કર્યો. લાગણીના સીધા કથનને બદલે લાગણીની વ્યંજના અને ભાવકમાં ક્રમશ : લાગણી જગાડવાની કવિતાની શક્તિનો એમણે મહિમા કર્યો. એટલે પ્રતીક અને શબ્દની સંગીતમયતા, આકાર ને અભિવ્યક્તિની ચુસ્તતાનું કાવ્યમાં વિશેષ મૂલ્ય આંક્યું. પ્રતીકનો મહિમા એમણે એટલા માટે કર્યો કે પ્રતીક અમૂર્ત અને મૂર્તનું આંશિક સામ્ય જ પ્રગટ કરે છે. પ્રતીકમાં વ્યક્ત કરતાં અવ્યક્ત અંશ વિશેષ હોય છે. તેથી કાવ્યની વ્યંજનાસભરતા વધે છે. પ્રતીકવાદી કવિઓએ અંગત પ્રતીકો (personal symbols) જ્યારે પર્યાપ્ત સંદર્ભ ઊભો કર્યા વગર ખપમાં લીધાં ત્યારે એવી કવિતા ઘણી દુર્બોધ બની. ભાવને સીધો જ જગાડવાની સંગીતની શક્તિ પ્રતીકવાદીઓને સ્પર્શી ગઈ. એટલે એમણે શબ્દના રૂઢ અર્થને બને તેટલો ઓગાળી શબ્દના નાદતત્ત્વથી જ લાગણીને વિશેષ રૂપે જગાડવાની જબરી મથામણ કરી અને એમ કરવા જતાં કવિતાને દુર્ગમ્યની સીમા પર મૂકી દીધી. માલાર્મે અને પૉલ વાલેરીની ઘણી કવિતા આનો અનુભવ કરાવે છે. પ્રતીકવાદીઓએ કવિતાને બદલે સંગીતની કળા ન આરાધી, કારણકે એમનું લક્ષ્ય માત્ર લાગણીને જગાડવાનું જ ન હતું પણ લાગણી અને વિચારના પુદ્ગલરૂપ સમગ્ર અનુભવને એની સંકુલતા સમેત વ્યંજિત કરવાનું હતું. સંગીત એ માટે અપર્યાપ્ત હતું. એ માટે શબ્દની પ્રતીકાત્મકતાનો પણ એમને એટલો જ ખપ હતો. પ્રતીકવાદીઓએ શબ્દના માધ્યમને આરાધ્યું એનું બીજું પણ કારણ છે. તેઓ પણ રોમેન્ટિક કવિઓની જેમ ઇન્દ્રિયગમ્ય વિશ્વથી ભિન્ન એવા ઝંખનાના આદર્શ વિશ્વને સ્વીકારે છે, અને એ વિશ્વની ઝાંખી કરાવનાર ઇન્દ્રિયાતીત અનુભવ(transcendental experience)ને વ્યક્ત કરતી કવિતાનો મહિમા કરે છે. આ ઇન્દ્રિયાતીત અનુભવ પ્રતીક દ્વારા જ વ્યંજિત થઈ શકે એમ તેઓ માને છે. એટલે પ્રતીકવાદનાં બે રૂપો છે. એક, માનવસંવેદનને વ્યંજિત કરતું human symbolismનું અને બીજું ઇન્દ્રિયાતીત અનુભવને વ્યક્ત કરતું transcendental symbolismનું. ઇન્દ્રિયાતીત અનુભવો વ્યક્ત કરવા માટે કવિને આધાર તો ઇન્દ્રિયપ્રત્યક્ષ સામગ્રીનો જ લેવો પડે એટલે માલાર્મેએ કહ્યું છે કે વસ્તુજગતના પદાર્થો કવિતામાં એવી રીતે નિરૂપાય કે તે હૂબહૂ કરતાં આભાસરૂપ વધારે લાગે જેને કારણે એમના દ્વારા વસ્તુની ભીતર રહેલી ભાવનાનું દર્શન શક્ય બને. પ્રતીકવાદે વીસમી સદીના માત્ર ફ્રેન્ચ નહીં, પરંતુ અન્ય યુરોપીય ભાષાના પ્રમુખ કવિઓને પ્રભાવિત કર્યા છે એટલે એક મહત્ત્વના સાહિત્યિક આંદોલન તરીકે સમગ્ર વિશ્વસાહિત્ય પર એની ઘેરી અસર છે. જ.ગા.