ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બુદ્ધિવાદ



બુદ્ધિવાદ(Rationalism) : માન્યતા, આચારવિચાર, કે અભિપ્રાયોમાં કેવળ બુદ્ધિ કે તર્કનું સર્વોપરી આધિપત્ય સ્વીકારતો વાદ. ઇન્દ્રિયોની મધ્યસ્થી વિના અનુભવનિરપેક્ષ જ્ઞાનના ઉદ્ગમ તરીકે બુદ્ધિનો અહીં સ્વીકાર છે. ભાવલાગણી કે સ્વત :સ્ફુરણા પર અવલંબિત ન રહેતાં અહીં તર્કબુદ્ધિનો આશ્રય લેવાય છે. વ્યવસ્થિત તર્કવિચારણાને આધારે તટસ્થ શોધ દ્વારા જ્ઞાનલબ્ધિ કે સત્યપ્રાપ્તિ શક્ય છે. વાસ્તવમાં તર્કવ્યવસ્થા જોઈ શકાય છે અથવા વાસ્તવ પર તર્કવ્યવસ્થા લાદી શકાય છે. મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે અને તેથી સમસ્ત માનવીય સમસ્યાઓનું સમાધાન તર્કબુદ્ધિને કારણે કરી શકાય છે એવી આ વાદની પ્રતીતિ છે. ચં.ટો.