ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બ્રહ્મોસમાજ



બ્રહ્મોસમાજ : સમાજસુધારાક્ષેત્રે સુધારા સૂચવતો રાજા રામમોહનરાય દ્વારા સ્થાપિત બ્રહ્મોસમાજ ઈશ્વરના ઐક્યમાં માને છે અને મૂર્તિપૂજા તથા ક્રિયાકાંડનો વિરોધી છે. કેશવચન્દ્ર સેનની આગેવાની હેઠળ પછીથી વિધવાવિવાહ, આંતરજાતીય લગ્ન અને સ્ત્રીઉદ્ધારને પ્રોત્સાહન મળે છે; અને બાળલગ્ન, બહુવિવાહને તિરસ્કારવામાં આવે છે. ઉપરાંત ‘સંકીર્તન’નું દાખલ થયેલું તત્ત્વ સમાજના સભ્યોમાં ભક્તિભાવ ઊભો કરે છે. પાછળથી કેશવચન્દ્રથી ફંટાઈને ‘સાધારણ બ્રહ્મોસમાજ’ની સ્થાપના થઈ છે. બંગાળી નવલકથાઓના ભાવવિશ્વને સમજવા આ સમાજની ભૂમિકા હોવી આવશ્યક છે. ચં.ટો.