ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાષા અને લિપિ


ભાષા અને લિપિ : ભાષાનું બોલાતું સ્વરૂપ તે વાણી. વાણીનો મૂળ આધાર તેના ધ્વનિસંકેતો છે જે શ્રાવ્ય કે કર્ણગોચર છે. આ સંકેતોને દૃશ્ય કે દૃષ્ટિગોચર બનાવવા જે ચિહ્નો વાપરીએ છીએ તે લિપિના સંકેતો કહેવાય. એટલે ભાષાનું બોલાતું સ્વરૂપ જ પ્રાથમિક સ્વરૂપ છે. લિખિત સ્વરૂપ તો એના પરથી સધાયેલું એવું ગૌણ સ્વરૂપ છે, પણ એથી તે કાંઈ ઓછું મહત્ત્વનું નથી. લેખનની શોધ એ મનુષ્યજાતિ માટે મહાન ઉપલબ્ધિ છે. અલબત્ત, મનુષ્યોને ભાષા પ્રાપ્ત થઈ પછી હજારો વર્ષો બાદ લિપિ પ્રાપ્ત થઈ છે. ઈ.સ. પૂર્વે ૪૦૦૦ વર્ષ સુધી તો લિપિનો વિકાસ થયો નહોતો. વાણીના ધ્વનિસંકેતો જેવા ઉચ્ચારાય કે તરત નાશ પામે એટલે સ્થળકાળથી પર આ શ્રાવ્યસંકેતો વાપરી શકાતા નથી, જ્યારે લિપિના દૃશ્ય-સંકેતો સ્થળકાળથી બંધાયેલા નથી. સ્થળકાળની સીમા પાર કરીને પણ તે પ્રત્યાયન કરી શકે છે. આમ છતાં લેખન પ્રત્યાયનનું પૂરક પાસું છે, વાણીની અવેજીનું નહીં. ભાષાઓ મૂળ ઉચ્ચરિત સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવતી હોય છે. જગતમાં આજે પણ એવી કેટલીયે ભાષાઓ મળશે જે લિપિબદ્ધ થઈ નથી. જેમકે કચ્છી ભાષા. લેખનના ઇતિહાસની પ્રથમ સીડી તે ચિત્રલિપિ. પ્રાચીન સમયમાં ગુફાઓની દીવાલો પર અને પથ્થર, માટીનાં વાસણો, હાડકાં, શિંગડાં, હાથીદાંત, શંખ-છીપલાં, ઝાડની છાલ વગેરે પર તથા પાછળથી ધાતુઓ પર પશુ-પંખી, જંતુ, વનસ્પતિ, મનુષ્યના શરીરના ભાગો, બીજા આડાઅવળા આકારો વગેરે કોતરેલા મળે છે. જે વસ્તુ કે પદાર્થનાં પ્રતિબિંબરૂપ હોય છે. ઉપરાંત દોરી કે ઝાડની છાલમાં ગાંઠો બાંધીને, દોરીમાં રંગબેરંગી સૂત્રો બાંધીને કે મોતીમણકા પરોવીને કોઈ ને કોઈ આશય વ્યક્ત કરવામાં આવતો, જે સૂત્રલિપિ કહેવાતી. પરંતુ મનુષ્યનો આશય માત્ર વસ્તુ કે પદાર્થો નહીં. પણ તે વિશેના ભાવો કે વિચારો પણ વ્યક્ત કરવાનો હોય છે અને તેમાંથી વિકસે છે ભાવમૂલકલિપિ. જે ચિત્રલિપિનું જ વિકસિત રૂપ છે. જેમકે સૂર્યના ગોળાનું પ્રતીક સૂર્ય ઉપરાંત ગરમી, તેજ, પ્રકાશ, દિવસ વગેરે આશય પણ સૂચવે, પગનું પ્રતીક ચાલવાનો-ગતિનો ભાવ સૂચવે. આ ભાવમૂલકપ્રતીકોને ધ્વન્યાત્મક પ્રતીકોના રૂપમાં પ્રયોજીને ભાવધ્વનિમૂલક લિપિ વિકસે છે. જેમાં ભાવવિચારને માટે મૂલત : જે પ્રતીક હોય છે તેના પ્રથમ વર્ણને માટે પણ એ જ પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે. જેમકે व માટે વીણાને વ્યક્ત કરતા પ્રતીકનો ઉપયોગ થાય. આમાંથી ક્રમશ : ધ્વનિમૂલક લિપિ વિકસે છે. આમાંથી ઉચ્ચરિત થતા ધ્વનિને માટે કોઈ ને કોઈ પ્રકારના લિખિત સંકેતો વાપરવામાં આવે છે. સ્વરવ્યંજનો... જેવા ઉચ્ચરિત ધ્વનિસંકેતો દરેક ભાષા વાપરતી હોય છે. પણ તેને જુદા જુદા લિપિસંકેતો દ્વારા વ્યક્ત કરે છે. અરબીની લિપિમાં સ્વર માટે કોઈ જુદા સંકેતો નથી. તો ચીની-જાપાની જેવી ભાષા આખા શબ્દ-રૂપઘટક માટે એક જ લિપિસંકેત યોજે છે એટલે લિપિના ૧, રૂપઘટનાત્મક સંદર્ભવાળી – જેમકે ચીની તથા ૨, ધ્વન્યાત્મક સંદર્ભવાળી – એવા બે પ્રકાર પાડી શકીએ. ધ્વન્યાત્મક સંદર્ભવાળી લિપિ પણ બે પ્રકારની હોય છે : ૧, વર્ણનાત્મક (Alphabetic) અને ૨, અક્ષરાત્મક (Syllabic). વર્ણનાત્મક લિપિમાં એક એક ધ્વનિ માટે એક એક લિપિસંકેત યોજવામાં આવે છે. જેમકે રોમન લિપિ. જ્યારે અક્ષરાત્મક એક આખા અક્ષર (syllabic) માટે એક લિપિસંકેત યોજવામાં આવે છે. જેમકે દેવનાગરી લિપિ. આમાં એક સ્વર તેના આગલા વ્યંજનો સાથે વ્યક્ત થાય છે. જેમકે ક, કા, કિ, કુ, કે કૈ, કો, કૌ... રોમન લિપિમાં તેને ka, ki, ku, ke, kai, ko, kau જેવા વર્ણના સમુચ્ચયથી વ્યક્ત કરવામાં આવે છે. દરેક ભાષાની લિપિ તે ભાષાના ઉચ્ચારાતા ધ્વનિને રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કોઈપણ લિપિ, ભાષામાં ઉચ્ચરિત થતા બધા ધ્વનિઓને આબેહૂબ રજૂ કરતી નથી. કોઈપણ લિપિ એક ધ્વનિ માટે એક સંકેત રજૂ કરે તેવી સંપૂર્ણ છે નહીં. વર્તમાન દરેક ભાષાની લિપિમાં કોઈ ને કોઈ પ્રકારના દોષો દેખાય છે. વળી ભેદક અતિખંડીય (Supra-Segmental) ધ્વનિતત્ત્વોમાંથી ઘણાં માટે લિપિસંકેતો યોજાતા નથી કેમકે અંગ્રેજીમાં સ્વરભાર દર્શાવાતા નથી. ચીનીમાં સૂર નથી દર્શાવતા. કાકુ-વાક્યસૂરની અભિવ્યક્તિ અમુક વિરામચિહ્નો પૂરતી મર્યાદિત રહે છે. વળી કોઈપણ લિપિના સંકેતો વર્ષોજૂના હોય છે. જ્યારે બોલાતી ભાષા સતત બદલાતી જતી હોય છે. એને અનુરૂપ લિપિના સંકેતો બદલાતા હોતા નથી. આ ઉપરથી એટલું સ્પષ્ટ થઈ ગયું હશે કે કોઈ નવી ભાષા શીખવા માટે તેની લિપિનું જ્ઞાન પર્યાપ્ત નથી. માત્ર લિપિ દ્વારા કોઈ ભાષાના ખરા ઉચ્ચારો પમાય નહીં. વળી, જુદી જુદી લિપિમાં તેના સંકેતો રજૂ કરવાની રીતદિશા પણ જુદી જુદી હોય છે. રોમન, દેવનાગરી જેવી લિપિઓ ડાબેથી જમણે લખાય છે. અને અરબી, ફારસી, ઉર્દૂની લિપિઓ જમણેથી ડાબે લખાય છે. જ્યારે ચીની-જાપાની લિપિઓ ઉપરથી નીચે તરફ લખાય છે. લિપિની આ બધા પ્રકારની અસંગતિઓ દૂર કરવા ‘આંતર-રાષ્ટ્રીય ધ્વનિ એસોશિયેશને’ ૧૮૮૯માં એક ધ્વનિ માટે એક જ લિપિસંકેત એવી ધ્વનિલિપિ (International Phonetic alphabet) તૈયાર કરી છે. વળી, દરેક પ્રકારના અતિખંડીય ધ્વનિઓ માટે પણ વિશિષ્ટ ચિહ્નો દર્શાવવામાં આવ્યાં છે. આ લિપિ દુનિયાની દરેક ભાષા જેવી બોલાય છે તેવી જ રજૂ કરવાનું સામર્થ્ય ધરાવે છે. ભાષાશાસ્ત્રીઓ વિવિધ ભાષાના અભ્યાસ માટે આનો ઉપયોગ કરે છે. લિપિનો અભ્યાસ કરતું શાસ્ત્ર વર્ણશાસ્ત્ર (Graphonomy) કહેવાય છે, જેના લઘુતમ એકમને વર્ણ (Grapheme) કહેવામાં આવે છે. અને તેના સ્થાનનિયત પરિવર્તે ઉપવર્ણ (Allograph) કહેવાય છે. તદુપરાંત સુલેખનનું શાસ્ત્ર (calligraphy) કળાની કક્ષાએ પહોંચે એ રીતનું વિકસ્યું છે.

ઊ.દે.