ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનોકથન



મનુસ્મૃતિ : મનુષ્યજીવનનાં વિધિ-નિષેધો અંગેની શાસ્ત્રપ્રમાણ ધરાવતી સંસ્કૃત આચારસંહિતા. પરંપરાગત અનુમાન અનુસાર તેની રચના વૈવસ્વત મનુ કે પ્રાચેતસ મનુએ નહીં પરંતુ મનુષ્ય જાતિના પ્રપિતા ગણાયેલા સ્વાયંભુવ મનુએ કરી છે. ૧,૦૦૦ પ્રકરણોમાં વિભાજિત ૧,૦૦,૦૦૦ શ્લોકોનો આ ગ્રન્થ, માર્કન્ડેયને શીખવવા માટે નારદ દ્વારા સંક્ષિપ્ત રૂપ પામીને ૧૨,૦૦૦ શ્લોકમાં સીમિત થાય છે. એ પછી પણ માર્કન્ડેય અને ભૃગુ દ્વારા સંક્ષિપ થતાં થતાં તે અનુક્રમે ૮૦૦૦ અને ૪,૦૦૦ શ્લોકની સઘન કૃતિ તરીકે સ્થિર થાય છે. પૌરાણિકયુગમાં એકાધિક મનુઓની પ્રાચીન પરંપરા છે પરંતુ મહાભારતના બાર અને તેરમા પર્વોને આધારભૂત માનીને ચાલતાં વર્તમાન મનુસ્મૃતિ ઈ.સ.ની બીજી શતાબ્દીથી પૂર્વેની બીજી શતાબ્દીના સમયમાં રચાયેલી કૃતિ હોવાનું સ્વીકારાયું છે. વળી, મનુસ્મૃતિની ઉપલબ્ધ વાચના પણ બીજી સદી સુધીમાં ભારત, બ્રહ્મદેશ, જાવા-સુમાત્રા, કમ્બોડિયા અને બાલી સુધી માનવસભ્યતાના માનદંડ તરીકે સ્વીકૃતિ પામી ચૂકી હોવાનાં પ્રમાણો મહાભારતાદિ ગ્રન્થોમાં મળે છે. બાર અધ્યાયોમાં વિભક્ત ૨૬૯૪/૨૭૦૦ શ્લોકો ધરાવતી મનુસ્મૃતિમાં જગતની ઉત્પત્તિ, સંસ્કારવિધિ, વ્રતચર્યા, ઉપચાર, સ્નાન, દારાધિગમન, વિચારલક્ષણ, મહાયજ્ઞ, શ્રાદ્ધકલ્પ, વૃત્તિલક્ષણ, સ્નાતકવ્રત, ભક્ષ્યાભક્ષ્ય, શૌચ, અશુદ્ધિ, સ્ત્રીધર્મ, વાનપ્રસ્થ, મોક્ષ, સંન્યાસ, રાજધર્મ, કાર્યવિનિર્ણય, સાક્ષિપ્રશ્નવિધાન, સ્ત્રીપુંસધર્મ, વિભાગધર્મ, ધૂર્ત, કંટકશોધન, વૈશ્યશૂદ્રોપ ચાર, સંકીર્ણજાતિ, આપદધર્મ, પ્રાયશ્ચિત્ત, સંસારગતિ, કર્મ, કર્મગુણ દોષ, દેશજાતિ, કુલધર્મ અને નિ :શ્રેયસ્ – જેવા વિષયોની તત્કાલીન દેશકાળ અનુસાર તલાવગાહી વિચારણા થયેલી છે.

ર.ર.દ.