ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહાકાવ્ય


મહાકાવ્ય(Epic neroic Poem) : ઇતિહાસ કે પરંપરાના ધીરોદાત્ત પાત્ર કે પાત્રોની સિદ્ધિઓનું સળંગ કથન કરતું મહાકાવ્યનું ઉદાત્ત સ્વરૂપ અન્ય કાવ્યપ્રકારોની તુલનાએ યુગજીવનની સમગ્રતાનું સુસંબદ્ધ ચિત્ર આપે છે. જીવનનાં વિવિધ પાસાંઓને વ્યાપી વળતી એની સર્વાશ્લેષિતા મહત્ત્વની છે. કેવળ મોટા કદથી મહાકાવ્ય નથી બનતું પરંતુ કલ્પના, વિચારધારા અને એની અભિવ્યક્તિથી સંલગ્ન મહત્ત્વપૂર્ણ શૈલી દ્વારા મનુષ્યમહત્તા, એનું ગૌરવ અને એની ઉપલબ્ધિઓ પરત્વેની આસ્થા ઊપસે છે, ત્યારે મહાકાવ્ય બને છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં મહાકાવ્યનું પહેલું વર્ણન ભામહે કર્યું છે. ભામહના મંતવ્ય મુજબ લાંબા કથાનક અને મહાન ચરિત્ર પર નિર્ભર, નાટ્યસંધિઓ સહિતનું અલંકૃત શૈલીમાં લખાયેલું અને જીવનનાં વિવિધ રૂપો અને કાર્યોનું વર્ણન કરતું સર્ગબદ્ધ કાવ્ય મહાકાવ્ય છે. ત્યારપછી દંડી, રુદ્રટ, આનંદવર્ધન, કુન્તક, વિશ્વનાથ વગેરેએ એનું સ્વરૂપનિરૂપણ કર્યું છે. અન્ય આચાર્યોએ કેટલાંક વ્યાપક તત્ત્વોને એમાં સમાવ્યાં છે; પ્રારંભમાં આશીર્વાદ સાથે કથાનકનિર્દેશ, ઇતિહાસાશ્રિત કે સજ્જનાશ્રિત કથાવસ્તુ, મહાકાવ્યના વર્ણ્યવિષયો, લાંબા વિષયાન્તરોનો નિષેધ, રસનિયોજન, સર્ગમાં એક જ છંદનો પ્રયોગ અને સર્ગને અન્તે છંદપરિવર્તન, સર્ગમાં આઠથી અધિક શ્લોકસંખ્યા અનિવાર્ય, વ્યાકરણના અટપટા પ્રયોગો તેમજ શૈલીની કૃતકતાનો પરિહાર, સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત અપભ્રંશમાં પણ મહાકાવ્યરચના – જેમાં વિષયોની વિશદ ચર્ચા થઈ છે. હેમચન્દ્રાચાર્યે મહાકાવ્યની સમસ્તલોકરંજકતાને મુખ્ય ઉદ્દેશ તરીકે આગળ ધરી સર્ગને સ્થાને આશ્વાસકમાં પણ કથા વિભાજિત થઈ શકે અને એક જ છંદમાં પણ મહાકાવ્ય રચી શકાય એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે; તો, વાગ્ભટે સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત અપભ્રંશ ગ્રામ્યભાષામાં થયેલાં મહાકાવ્યોનો સંદર્ભ આપી એક સર્ગમાં દુષ્કર ચિત્રબંધ કાવ્યયોજનાને સમાવવાનો નિર્દેશ કર્યો છે. આનંદવર્ધને ધ્વનિસિદ્ધાન્તનું પ્રતિપાદન કરવા જતાં મહાકાવ્યના રસનિયોજન પર કરેલો વિચાર પણ મહત્ત્વનો છે. રુદ્રટે કથાના ઉત્પાદ્ય અને અનુત્પાદ્ય તેમજ મહત્ અને લઘુ એવા બે પ્રકારના ભેદ કરી માત્ર મહત્પ્રબંધને જ મહાકાવ્યની સંજ્ઞા આપવા અનુરોધ કર્યો છે. યુરોપના સાહિત્યમાં મહાકાવ્ય પર સૌથી વધુ વિચારણા એરિસ્ટોટલે કરી છે. અલબત્ત, એરિસ્ટોટલે મહાકાવ્યની ચર્ચા ટ્રેજિડી સંદર્ભે કરી છે અને ટ્રેજિડીનાં ઘણાં લક્ષણોને મહાકાવ્ય સંદર્ભે આવર્યાં છે. ગંભીર સ્વયંપર્યાપ્ત વિષયવસ્તુ, ચોક્કસ, આદિ, મધ્ય અને અંત, એકસૂત્રતા જેવાં સમાન લક્ષણો હોવા છતાં ‘ટ્રેજિડી અને મહાકાવ્યની વર્ણ્યવસ્તુની પ્રસ્તુતિમાં ભેદ છે. ટ્રેજિડીમાં કાર્યવેગ છે, જ્યારે મહાકાવ્યમાં ઇતિવૃત્ત છે. પશ્ચિમમાં એરિસ્ટોટલથી માંડી એમ. ડિક્સન, એબરક્રોમ્બી, ટિલિએર્ડ, સી. એમ. બોવરા, ડબલ્યૂ વી. કેર વગેરેએ મહાકાવ્યનું સ્વરૂપવિવેચન કર્યું છે. પાશ્ચાત્ય મહાકાવ્યની વિચારણા ભારતીય વિચારણાની જેમ, પ્રખ્યાત કથાવસ્તુ તેમજ કથાનકસંયોજન પર ભાર મૂકે છે, અને મહાકાવ્યની શૈલીગત ગરિમા કે ભવ્યતાને આધારતત્ત્વ તરીકે ઓળખાવે છે. મહાકાવ્યના સામાન્ય રીતે બે ભેદ સ્વીકારાયેલા છે : મૌખિક પરંપરા અને લેખિત પરંપરા. આ ભેદને પ્રાથમિક મહાકાવ્ય અને કૃત્રિમ મહાકાવ્ય તરીકે, પ્રાથમિક મહાકાવ્ય અને દ્વૈતીયિક મહાકાવ્ય તરીકે, તેમજ વિકસનશીલ મહાકાવ્ય અને સાહિત્યિક મહાકાવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય, સાહિત્યમાં ‘મહાભારત’ અને ‘રામાયણ’, ગ્રીકસાહિત્યમાં ‘ઈલિયડ’ અને ‘ઓડિસિ’ અંગ્રેજી સાહિત્યમાં ‘બેઅવુલ્ફ’ જર્મન સાહિત્યમાં ‘નિબેલુન્ગેનલીડ’ ફ્રેન્ચ સાહિત્યમાં ‘શાંસો દ રોલાં’ – વગેરે મહાકાવ્યો પહેલા પ્રકારનાં મૌખિક કે કંઠોપકંઠ પરંપરાનાં છે; જ્યારે, અશ્વઘોષ, કાલિદાસ, માઘ, ભારવિ વગેરેનાં સંસ્કૃત મહાકાવ્યો, વર્જિલનું ‘ઇનીડ’ દાન્તિનું ‘ડિવાઇન કૉમેડી’ મિલ્ટનનું ‘પેરેડાઈઝ લોસ્ટ’ બીજા પ્રકારનાં મહાકાવ્યો છે. ચં.ટો.