ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રંગભૂમિ


રંગભૂમિ (Theatre) : દૃશ્યકલાઓ મુખ્યત્વે નાટક નાં બધાં જ પાસાંઓને આવરી લેતી આ સર્વાશ્લેષી સંજ્ઞા દ્વારા રંગમંચ ઉપર ભજવાતાં નાટકોની મંચનલક્ષી તેમજ નાટ્યસિદ્ધાન્ત સંબંધી બધી જ બાબતોનું સૂચન થાય છે. આ સંજ્ઞાનો મૂળ ગ્રીક અર્થ અવલોકન-સ્થળ (Seeing place) એવો થાય છે. આજે સર્વાશ્લેષી સંજ્ઞા તરીકે રંગભૂમિના અર્થમાં પ્રયોજવા ઉપરાંત આ સંજ્ઞા નાટ્યગૃહના અર્થમાં પણ પ્રયોજાય છે. કોઈ એક લેખક કે વર્ગના સમગ્ર નાટ્યલેખનને આધારે ઉપલબ્ધ થતી રંગભૂમિની તેની આગવી વિભાવનાને ઈબ્સનની રંગભૂમિ (Theatre of Ibsen) કે ફ્રાન્સની રંગભૂમિ (Theatre of France) એ રીતે સૂચવવામાં પણ આ સંજ્ઞા ઉપયોગમાં લેવાય છે. પ.ના.