ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રાસડો


રાસડો : લોકસાહિત્યનો ગીતપ્રકાર. તેમાં નૃત્ય, સંગીત અને કાવ્યની મિલાવટ થઈ હોય છે. નારીવૃંદ ગોળકુંડાળે તાલબદ્ધ પગઠમકાર અને તાલી દેતું આ ગીતો ગાય છે. રાસડા બે પ્રકારના છે. એક, કૌટુંબિક કથાગીતો. સ્ત્રીઓના હૈયામાં જ્યારે સુખદુઃખ, આશાનિરાશા, ઉમંગ કે આઘાત જેવી કોઈપણ બળવાન ઊર્મિ ઘૂમવા માંડી ત્યારે તેમાંથી આ રાસડા આવ્યા છે. આ રાસડાઓમાં દાંપત્ય અને પ્રણયનું ગાન તથા અન્ય સાંસારિક કરુણરસિક તેમજ હાસ્યરસિક પરિસ્થિતિઓ વર્ણવાયેલી હોય છે. ‘પાતળી પરમાર’, ‘બારબાર વરસે’ તથા મેઘાણીના ‘રઢિયાળી રાત’માંના કેટલાક રાસ તેના દૃષ્ટાંતો છે. બીજાં, ઐતિહાસિક કથાગીતો. જેમાં પૌરાણિક પાત્રોનાં કથાનકો, પીરનાં સ્તવનો, બહારવટિયા અને લૂંટારાનાં આચરણો વગેરે વિષય હોય છે. ‘મેના ગુર્જરી’, ‘જસમા ઓડણ’ના રાસડા તેના દૃષ્ટાંતરૂપ છે. આ રાસડાઓમાં તેના અજ્ઞાત રચનારાઓએ લોકજીવનનું પ્રતિબિંબ ઝીલ્યું છે અને સામાજિક-ઐતિહાસિક બનાવોનો ઇતિહાસ સાચવી રાખ્યો છે. વળી, આપણા અન્ય કવિઓને પણ આ રાસડાઓએ પ્રેરણા આપી છે. અને ઢાળ તથા પ્રથમ પંક્તિઓ જેવી અનુકરણ-સામગ્રી પૂરી પાડી છે. કી.જો.