ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રીતીદાસ્ય


રીતિદાસ્ય(Mannerism) : આત્મસભાનતાપૂર્વક કેળવેલી શૈલીની વિશિષ્ટતાઓના સંદર્ભમાં સંદિગ્ધ રીતે વપરાતી આ સંજ્ઞા સાહિત્યક્ષેત્રે સામાન્ય રીતે લેખક દ્વારા પોતાની અસાધારણ કે વિશિષ્ટ રીતિઓને અતિરેક સાથે ચીપકી રહેવાની હકીકતને સૂચવે છે. ગમે તે વિષય હોય પણ લેખક ટેવવશ આયાસસિદ્ધ રીતિને ધારણ કરે છે. એક રીતે જોઈએ તો લેખકના જક્કીપણાનો એમાં અણસાર છે. ન્હાનાલાલના ગદ્યમાં અલંકૃત લક્ષણો કે બ. ક. ઠાકોરના ગદ્યમાં આવતી લાંબાં જટિલ વાક્યોની લઢણો રીતિદાસ્યના નમૂના છે. ચં.ટો.