ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રોજનીશી


રોજનીશી(Diary) : ‘રોજનીશી’, ‘રોજનામા’, ‘દૈનન્દિની’, ‘દૈનિકી’, ‘વાસરી’, ‘વાસરિકા’ વગેરે વપરાતી પર્યાયસંજ્ઞાઓ જોતાં સ્પષ્ટ થશે કે આ આત્મકથાત્મક સ્વરૂપમાં લેખક રોજ-બ-રોજનાં કરેલાં કાર્યોનો અહેવાલ એના વિચારો અને પ્રતિભાવો સાથે તેમજ અંગત વલણો અને નિરીક્ષણો સાથે તરત નોંધતો હોય છે. તેથી એમાં સભાનપણે કે અભાનપણે આત્મવિવરણ થતું હોય છે. અલબત્ત, આત્મકથાના કે સંસ્મરણના સુશ્લિષ્ટ સ્વરૂપ કરતાં રોજનીશીનું સ્વરૂપ ઓછું સુગ્રથિત હોય છે, પરંતુ વર્તમાનની ક્ષણમાંથી અતીતને ચોક્કસ દૃષ્ટિબિંદુથી તરેહવાર જોવાની સુવિધા ન હોવાથી, પ્રકાશિત કરવાની વૃત્તિ નહીંવત હોવાથી તેમજ સદ્યસંવેદનોને ટપકાવી લેવાતાં હોવાથી નિખાલસતા અને અપરોક્ષતાથી રોજનીશી અસરકારક બને છે, તેનું સ્વરૂપ વધુ પ્રામાણિક બને છે. એક રીતે જોઈએ તો રોજનીશીનું સ્વરૂપ રોજપોથીની નજીકનું હોવા છતાં રોજપોથીથી ઓછું કાલાનુક્રમિક અને ઓછું નિર્વૈયક્તિક હોય છે. રોજનીશી લેખકના વ્યક્તિત્વ પર, એના રોજિંદા જીવન પર અને એના આસપાસ પર પ્રકાશ ફેંકે છે. ચં.ટો.