ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લોન્જાઈનસ



લોન્જાઈનસ : એરિસ્ટોટલ પછી મહત્ત્વની દિશા ચીંધનાર અને યુરોપિયન સાહિત્યિક વિવેચન પર મોટો પ્રભાવ પાડનાર ગ્રીક વિવેચક. ‘ઑન ધ સબ્લાઈમ’ એનો વિવેચનપ્રબંધ છે. એનો બેતૃતીયાંશ ભાગ જ હયાત છે. હવે, ઈ.સ.ની પહેલી સદીનો ગણાતો આ પ્રબંધ છેક ૧૫૫૪માં રોબોતેલીએ એની પહેલી આવૃત્તિ કરી ત્યારે પ્રકાશમાં આવ્યો છે. આ પછી ૧૫૭૨માં એનું લેટિનમાં અને ૧૬૫૨માં એનું અંગ્રેજીમાં ભાષાન્તર થયું. પણ ઇંગ્લેંડમાં એનો પ્રભાવ બ્વાલો દે પ્રેઓના ૧૬૭૨ થયેલા ફ્રેન્ચ ભાષાન્તરથી વર્તાયો. વક્રતા એ છે કે નવ્ય પ્રશિષ્ટતાવાદી બ્વાલોના આ ભાષાન્તરે પ્રશિષ્ટતાવાદના અંતિમ પતનમાં સહાય કરી અને રંગદર્શિતાવાદના આરંભને શક્ય બનાવ્યો. લોન્જાઈનસ પહેલો રંગદર્શી વિવેચક છે. કોઈ સિસિલિઅસના ઉદાત્તતા પરના પ્રબંધના પ્રત્યુત્તર રૂપે એણે પોતાનો પ્રબંધ રચ્યો છે; ને ઉદાત્તતાના ચાલી આવેલા છૂટક વિચારને વાગ્મિયતાના ક્ષેત્રથી સાહિત્યક્ષેત્રમાં લાવી પાંચ ઉદ્ગમ સ્રોત સહિત એની વિચારણા કરી સૈદ્ધાન્તિક રૂપ આપ્યું છે. સમર્થ વિચારો; અભિનવ લાગણીઓ; ગૌરવાન્વિત અલંકારો; બાની તેમજ રચનાવિધાનને એણે ઉદાત્તતાના અનિવાર્ય ઘટકો ગણ્યા છે. લોન્જાઈનસને મન ઉદાત્તતત્ત્વ પ્રાણનો સ્ફુલિંગ છે, જે લેખકચેતનાથી વાચકચેતના સુધી પહોંચે છે, જે પ્રાણનો મહત્ત્વનો પ્રતિધ્વનિ છે. અને આખી કૃતિમાં વ્યાપી વળે છે. આથી ઉદાત્તતા દલીલોથી નહિ પણ આવિષ્કાર કે પ્રબોધન દ્વારા આંખ પર થતા વીજચમકારની પેઠે, તર્કથી નહિ પણ સમગ્ર કલ્પનાથી ચિત્ત પર પ્રભાવ પાડે છે; અને વાચકને એના પોતાનામાંથી ઊંચકી આનંદસમાધિમાં મૂકી દે છે. સાહિત્યના આ કાર્ય પાછળ પ્રેરણાને, લેખકની પ્રતિભાને લોન્જાઈનસ સૌથી વધુ મહત્ત્વ આપે છે. ડિમોસ્થિનિસનાં વક્તવ્યોમાં, પ્લેટોના સંવાદોમાં, હોમરનાં મહાકાવ્ય નિરૂપણોમાં, ગ્રીકનાટકો તેમજ સાફોના ઊર્મિકાવ્યોમાં, હિબ્રૂ બાઇબલના ઉત્પત્તિઅંગમાં લોન્જાઈનસ જે રીતે ઉદાત્તતા નોંધે છે એમાં એનો વાચનવિસ્તાર અને ઉત્સાહ હેરત પમાડનારાં છે. લોન્જાઈનસના વિચારોને કાન્ટે વિકસાવ્યા અને ભવ્યતાને અનંતતા સાથે તેમજ સુન્દરતાને સાન્તતા સાથે સાંકળીને બંનેનો ભેદ કર્યો. રંગદર્શિતાવાદીઓ માટે વિસ્મયાભિભૂત કરતી ભવ્યતા એ એમની મનપસંદ ખોજ હતી. વર્ડ્ઝવર્થ અને શેલીને ઉદાત્તતા કે ભવ્યતાનું આકર્ષણ હતું. આમ આત્મલક્ષિતા, સાહિત્ય અને સાહિત્યિક અનુભવોનું મનોવિજ્ઞાન, નિયમ રહિત નિરંકુશ મૌલિકપ્રતિભાની વિભાવના, રંગદર્શિતાવાદનો ઉદય આ સર્વમાં લોન્જાઈનસની વિચારણા પાયામાં છે. ચં.ટો.