ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વસુદેવહિંડિ


વસુદેવહિંડિ  : આગમેતર જૈન કથાસાહિત્યમાં પ્રાચીનતમ મનાતો ગ્રન્થ. એમાં કૃષ્ણના પિતા વસુદેવની હિંડી અર્થાત્ પરિભ્રમણનું સ્વમુખે વર્ણન છે. આ કૃતિને ‘વસુદેવચરિત’ પણ કહેવામાં આવે છે. આ કૃતિના પ્રથમ ખંડમાં સંઘદાસગણિ વાચકકૃત ૨૯ લંભક અને ૧૧૦૦૦ શ્લોકો છે. કથાનો આ ભાગ સ્વતંત્ર અને સ્વયં પરિપૂર્ણ છે. બીજા મજિઝમખંડમાં ધર્મદાસગણિએ બીજા ૭૧ લંભકો રચીને કથાનો વિસ્તાર સાધ્યો છે. ગ્રન્થનું મુખ્ય કથાનક પાંચમા ‘સરીર’ (શરીર) પ્રકરણમાં વસુદેવના ભ્રમણનું સંપૂર્ણ વૃત્તાંત ૨૯ લંભકોમાં વર્ણવવામાં આવ્યું છે. વસુદેવ સાથે લગ્ન કરનાર વિવાહિતા કન્યાઓનાં નામ અનુસાર લંભકોનાં નામ આપવામાં આવ્યાં છે. આ કૃતિની ભાષા પ્રાચીન મહારાષ્ટ્રી પ્રાકૃત છે. તેની રચના ગદ્યમાં થઈ છે, અને વચ્ચે વચ્ચે પદ્યાત્મક ગાથાઓ પણ મૂકવામાં આવી છે. તેમાં થયેલો દેશ્ય શબ્દોનો અને સમાસાન્ત પદાવલિનો વિનિયોગ નોંધપાત્ર છે. પ્રાકૃત જૈન કથાસાહિત્યના વિકાસ અંગે અર્ધમાગધીમાંથી જૈન-મહારાષ્ટ્રી-પ્રાકૃત કેવી રીતે વિકાસ પામી તેના અધ્યયન માટે આ કૃતિ મહત્ત્વની છે. નિ.વો.