ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિ-નાયક


વિ-નાયક(Anti-hero) : નવલકથા કે નાટકનું મુખ્ય પાત્ર ‘નાયક’ની સ્થાપિત વિભાવનાની વિરુદ્ધનું-સંસ્કારિતાના અભાવવાળું, કે મર્યાદિત અર્થમાં અસામાજિક-આલેખાયું હોય, અને તેના સંકુલ ચરિત્રની કેટલીક આગવી વિશેષતાઓ વડે ભાવકની સહાનુભૂતિ પ્રાપ્ત કરતું હોય ત્યારે તે ‘વિ-નાયક’ તરીકે ઓળખાય છે. ‘વિ-નાયક’ની વિભાવના વીસમી સદીના ઉત્તર ભાગમાં યુરોપમાં વિકાસ પામી. કિંગ્ઝલી એમિસ અને જ્હોન વેઈનની નવલકથાઓનાં પાત્રોએ આ વિભાવનાના ઉદ્ભવ અને પ્રચારમાં મુખ્ય ભાગ ભજવ્યો. તે યુદ્ધોત્તર સમાજની વિચારસરણીનું પ્રતિબિંબ ઝીલે છે. શરદચંદ્રની નવલકથા, ‘ચારિત્ર્યહીન’ કે મધુ રાયના એકાંકી ‘અશ્વત્થામા’ અને નવલકથા ‘ચહેરા’ના નાયકોને વિ-નાયક તરીકે મૂલવી શકાય. પૂર્વે ‘નાયક’ અને ‘ખલનાયક’ એમ બે સદંતર વિરોધી પાત્રોના આલેખનના આધારે રચાતી નવલકથા (કે નાટક)ના સ્થાને આવેલી સંકુલ ચરિત્રલેખનવાળી નવલકથા (કે નાટક)માં વિ-નાયકની વિભાવનાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. પ.ના.