ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વૈદિકસાહિત્ય
વૈદિકસાહિત્ય : વૈદિકસાહિત્યની પરંપરા ઈ.સ. પૂર્વે ૨૦૦૦થી પણ આગળ શરૂ થાય છે અને તે ઈ.સ. પૂર્વે ૫૦૦ સુધી ચાલુ રહેલી જોઈ શકાય છે. એમાં ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એમ ત્રણ ઉપરાંત બ્રાહ્મણગ્રન્થોનું એક જૂથ બને છે. બ્રાહ્મણગ્રન્થોનો અંતિમ ભાગ ઉપનિષદોથી પ્રસિદ્ધ છે. બીજા જૂથમાં અથર્વવેદ અને ગુહ્યસૂત્ર તેમજ ધર્મસૂત્રનું સાહિત્ય આવે છે. તો ત્રીજું જૂથ ઇતિહાસ અને પુરાણસાહિત્યનું છે. જેમાં વાલ્મીકિ ‘રામાયણ’ અને વ્યાસકૃત ‘મહાભારત’નું સ્થાન છે. વૈદિક સાહિત્યના અધ્યયન માટે છ વેદાંગની રચના થઈ છે, જે શિક્ષા (ઉચ્ચારશાસ્ત્ર), કલ્પ(યજ્ઞક્રિયા), વ્યાકરણ, છંદ, નિરુક્ત (વ્યુત્પત્તિશાસ્ત્ર) તથા જ્યોતિષના નામથી પ્રચલિત છે.
ચં.ટો.