ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વૈરાગ્યશતક


વૈરાગ્યશતક  : ભર્તૃહરિની રચના. એમાં ૧૦૦ તૃષ્ણાની નિંદા, વિષયોનો પરિત્યાગ, યાચનાથી ઉત્પન્ન થતી દીનતાની નિંદા, ભોગવિલાસની અસ્થિરતા, ક્ષણભંગુર જીવન, મનોનિગ્રહની આવશ્યકતા, નિત્ય અને અનિત્ય બાબતોનો વિચાર-વિવેક, યોગી અને વૈરાગીની શાશ્વત શાંતિ વગેરે વૈરાગ્યનાં વિવિધ પાસાંને ચર્ચે છે. કાગડાની માફક બીક રાખીને આજીવિકા ચલાવવી, કમળનાં પાંદડાં પર પડેલાં જલબિન્દુ જેવા પ્રાણો, આશારૂપી સતત વહેતી નદી, માંસની ગાંઠોમાં બંધાયેલો રૂપનો આભાસ, વાસનાની વિષમ દુઃખજાળ, પેટરૂપી પૂરી ન શકાય તેવી પટારી (પેટી), જળના લોઢ જેવું ચંચળ આયુષ્ય, વાઘણની જેમ ડરાવતી વૃદ્ધાવસ્થા, મોહની માદક મદિરા, સંસારની રંગભૂમિ પર નટ સમો માનવ, રાજાઓનો વેશ્યા જેવો સ્વાર્થી વ્યવહાર વગેરે અલંકારો ભર્તૃહરિને અનુભવમાંથી સાંપડ્યા છે. નૈસર્ગિક પ્રતિભા, છંદોની સ્વચ્છતા, અનુભવવાક્યોથી ભરેલી વાણી, સ્વાભાવિક પદાવલીઓ, વૈદર્ભી શૈલીની કુમાશ, સંસારની અસારતાનો ઉપદેશ અને જીવનસત્યોનું નિર્ભીક કથન ‘વૈરાગ્યશતક’ની લાક્ષણિકતાઓ છે. હ.મા.