ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંકેત વ્યામર્શ હેઠળ


સંકેત વ્યામર્શ હેઠળ(Sign under erasure) : દેરિદાને મતે ભાષાનો પ્રત્યેક સંકેત અન્ય પ્રત્યેક સંકેતથી જુદો પડે છે અને પ્રત્યેક સંકેતમાં વિલંબની શક્તિ છે. એટલેકે સંકેતક અને સંકેતિત વચ્ચે સોસ્યૂર સ્વીકારે છે એવાં ઐક્યનો સ્વીકાર દેરિદા કરતા નથી. આથી સંકેત અપૂર્ણ અને અપર્યાપ્ત છે એ સૂચવવા દેરિદાએ ‘સંકેત વ્યામર્શ હેઠળ’ એવો પ્રયોગ કર્યો છે. એ લેખિત છે છતાં રદ કરાયેલો છે. જેમકે ‘નદી’સંકેત છે અને દેખીતી રીતે એના પર કોઈ ચિહ્ન નથી પરંતુ દેરિદાની દૃષ્ટિએ એ રદ કરાયેલો સંકેત છે. સંકેત જો કાંઈ કરી શકે તો એટલું જ કે એનામાં જેનો અભાવ હોય એની શોધમાં આપણને મોકલી શકે; એ શું નથી એની યાદ દેવડાવી શકે. ચં.ટો.