ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંકેતવિજ્ઞાન અને સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંકેતવિજ્ઞાન અને સાહિત્ય(Semiotics and literature) : સંકેતવિજ્ઞાન સંકેતોનું સામાન્ય વિજ્ઞાન છે. પ્રત્યાયન માટે ખપમાં લેવાતા હોય એવા બધા જ સંકેતો એમાં સમાવિષ્ટ છે. પ્રાણીઓના પ્રત્યાયનપરક વર્તનથી માંડીને માનવશરીરપરક પ્રત્યાયનો સુધી એ વિસ્તરેલું છે. શબ્દો, ઇંગિતો, ચેષ્ટાઓ, સૂત્રો, જાહેરાતો, સંગીત ટ્રાફિક, કપડાં, ભોજન, મકાનો – આ બધું જ એક યા બીજી રીતે સંકેતો છે. માનવસમાજમાં ભાષાની પ્રમુખ કામગીરી છે અને તેથી પ્રત્યાયનનું એ પ્રમુખ સાધન ગણાય છે છતાં એ સાચું છે કે મનુષ્ય બિનભાષિક માધ્યમ દ્વારા પણ પ્રત્યાયન કરે છે. એટલેકે સંકેતવિજ્ઞાને ભાષાપરક અને બિનભાષાપરક સંકેતતંત્રનું સૈદ્ધાન્તિક અને વૈજ્ઞાનિક અધ્યયન કરવાનું છે. સંકેતવિજ્ઞાન આ કારણે બધા સંકેતોની સંરચના અંતર્ગત રહેતા સિદ્ધાન્તો સાથે કામ પાડે છે અને સંકેત તેમજ પદાર્થ વચ્ચેના સંબંધોને નહીં પણ સંકેતો અને સંકેતો વચ્ચેના સંબંધોને લક્ષ્ય કરે છે. ઓગણીસમી સદીના અંતભાગમાં અમેરિકન તત્ત્વચિંતક ચાર્લ્ઝ પીર્સે સંકેતોનો અભ્યાસ શરૂ કરેલો અને સંકેતવિજ્ઞાન માટે ‘સેમિયોટિક્સ’ સંજ્ઞા સૂચવેલી. આ પછી યુરોપના ફર્દિનાન્દ સોસ્યૂરે સ્વતંત્રપણે સંકેતોનો અભ્યાસ રજૂ કરેલો અને ‘સેમિયોલોજી’ જેવી સંજ્ઞા સૂચવેલી. આજે ‘સેમિયોટિક્સ’ સંજ્ઞા પ્રચારમાં છે. પીર્સે સંકેતીકરણનો સિદ્ધાન્ત વિકસાવ્યો અને સંકેતક તેમજ સંકેતિત વચ્ચેના વિવિધ સંબંધોના સંદર્ભમાં સંકેતોનું વર્ગીકરણ કર્યું છે : સંમૂર્તિ (Icon); પ્રદર્શક (index) અને પ્રતીક (Symbol). સંમૂર્તિમાં સંકેતક અને સંકેતિત વચ્ચેના સાદૃશ્ય પર આધાર રાખવામાં આવે છે. કોઈ વ્યક્તિનું તૈલચિત્ર, મૂળ વ્યક્તિનો જ નિર્દેશ કરે છે. એમાં રૂઢિ નહીં વાસ્તવિક સાદૃશ્ય પાયામાં છે. પ્રદર્શકમાં સંકેતક અને સંકેતિત વચ્ચેનો સંબંધ કાર્યકારણનો છે. ધુમાડો એ અગ્નિ હોવાનો સંકેત છે. પ્રતીકમાં સંકેતક અને સંકેતિત વચ્ચેનો સંબંધ સ્વાભાવિક નહીં યાદૃચ્છિક છે અને સંપૂર્ણ સામાજિક રૂઢિને કારણે છે. એમ કહી શકાય કે ‘પડતું પાંદડું’ એ વૃક્ષનું ‘પ્રદર્શક’ છે; વૃક્ષનું ચિત્ર વૃક્ષની ‘સંમૂર્તિ’ છે; જ્યારે ‘ઉદ્ધરિત’ શબ્દ ‘વૃક્ષ’ વૃક્ષ માટેનું ધ્વનિપ્રતીક છે. સોસ્યૂરે પ્રત્યાયન માટેની પ્રણાલિઓના તંત્રોનો સિદ્ધાન્ત વિકસાવ્યો. એનો વિકાસ ફ્રાન્સમાં થયો. રોલાં બાર્થ જેવાએ સોસ્યૂરના સંકેતવિચારોનું સમર્થ અર્થઘટન કર્યું અને બતાવ્યું કે સંકેતક સંકેતિતનો સંબંધ અન્ય કોઈ માટેનો સંકેતક બને ત્યારે સંપૃક્તાર્થ(connotation) રચાય છે એટલેકે સંપૃકતાર્થ (વ્યંજના)ના સંકેતકો અભિધાસ્તરના સંકેતોના બનેલા છે. આથી સંપૃક્તાર્થનો મહિમા કરતું સાહિત્ય દ્વિતીય ક્રમની સંકેત વ્યવસ્થા છે જે વિશિષ્ટ રીતે પ્રથમ ક્રમની વ્યવસ્થા પર આધારિત છે. આમ તો ભાષાવિજ્ઞાન સંકેતવિજ્ઞાનની શાખા છે, છતાં ભાષાવિજ્ઞાને આધારભૂત પદ્ધતિઓ અને સંજ્ઞાઓ અન્ય સામાજિક સંકેતતંત્રોના અભ્યાસ માટે પૂરી પાડી છે. કલોદ લેવિ સ્ટ્રાઉસે સંકેતવિજ્ઞાનનો સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રમાં, ઝાક લકૉંએ મનોવિશ્લેષણમાં, મિશેલ ફુકોએ રોગોનાં ચિહ્નોનાં ચિકિત્સાપરક અર્થઘટનમાં, તો દેરિદાએ ભાષાના લેખિત પરિણામમાં વિનિયોગ કર્યો છે. સાહિત્યવિવેચનક્ષેત્રે મુકારોવ્સ્કીથી માંડી લોત્મનનો સંકેત-વિજ્ઞાન પરત્વેનો અભિગમ વિશિષ્ટ રહ્યો છે. મુકારોવ્સ્કીએ સૌન્દર્યનિષ્ઠ પદાર્થના સંકેત તરીકે સાહિત્યકૃતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો લોત્મને સંકેતપરક પ્રત્યાયન સિદ્ધાન્ત પર આધારિત સાહિત્યસિદ્ધાન્તને વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે. સાહિત્યકૃતિમાં એક સંકેતતંત્રની સામે બીજા સંકેતતંત્રના સંઘર્ષમાંથી જન્મતી ઊર્જા મહત્ત્વની છે. જુલ્ય ક્રિસ્તેવાએ સાહિત્યકૃતિઓમાં અન્ય સાહિત્યકૃતિઓના ‘સંકેતો’ પ્રવેશે છે એના સંદર્ભમાં ‘આંતરકૃતિત્વ’ જેવો સંદર્ભ આપ્યો છે. ચં.ટો.