ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદર્ભ


સંદર્ભ(Context) : આધુનિક ભાષાવિજ્ઞાનમાં અને તેથી આધુનિક સાહિત્યવિવેચનમાં સંદર્ભ એક કેન્દ્રવર્તી વિચાર છે. અર્થને લગતા ઊપસેલા સંદર્ભગત સિદ્ધાન્તોને કારણે આજે સ્પષ્ટ છે કે કોઈપણ ઉચ્ચારનું અર્થઘટન ઉચ્ચાર જે સંદર્ભો વચ્ચે થયો હોય એ સંદર્ભોની જાણકારી પર આધારિત છે. અર્થને લગતા વિકસેલા સંદર્ભસિદ્ધાન્તોને કારણે આજનું વિવેચન રૂપક, પ્રતીકાત્મકતા, વિરોધાભાસ, વક્રતા જેવી ભાષામાં રહેલી વિવિધ સંદિગ્ધતા પર અને એને નિયંત્રિત કરનારા તરીકાઓ પર કેન્દ્રિત થયેલું છે. ચં.ટો.