ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદિગ્ધતા


સંદિગ્ધતા(Ambiguity) : સંદિગ્ધતા સામાન્ય રીતે વાક્યનો ગુણધર્મ અથવા દ્વિઅર્થ કે વધુ અર્થ ધરાવતા શબ્દનો ગુણધર્મ છે. સંદિગ્ધતા એક એવો સંકેત છે જે એક કરતાં વધુ સંદેશાઓનું પ્રવહન કરે છે. સંદિગ્ધતામાં બહુ-અર્થતા પડેલી છે; પછી એ શબ્દની હોય કે વાક્યની. સંદિગ્ધતા બે પ્રકારના શબ્દવિશ્લેષણથી, સ્વરભારકાકુથી, વાક્યવિન્યાસથી, વિરામચિહ્નથી કે સમધ્વનિથી સર્જી શકાય. સંદિગ્ધતા અન્યત્ર જે દોષ ગણાય તેનું આધુનિક વિવેચને ‘સમૃદ્ધિ’ કે ‘મર્મ’ના અર્થરૂપે ગુણસંપત્તિમાં રૂપાન્તર કર્યું છે. એમાં બે અભિપ્રાયોએ ભાગ ભજવ્યો છે : એક તો વૈજ્ઞાનિક ભાષામાં જે જરૂરી છે તેની કવિતાક્ષેત્રે જરૂર નથી એવો આઈ. એ. રિચર્ડ્ઝનો અભિપ્રાય અને ૧૯૩૦ના પુસ્તક ‘સેવન ટાઈપ્સ ઑવ એમ્બિગ્વિટી’માં સંદિગ્ધતા અંગે વ્યક્ત થયેલો વિલ્યમ એમ્પસનનો અભિપ્રાય. સંદિગ્ધતાનો સિદ્ધાન્ત એ આત્મસેવન માટેનો, મુક્ત સાહચર્ય માટેનો કે અર્થોના યાદૃચ્છિક ખડકલા કરવા માટેનો પરવાનો નથી. બહુ અર્થો એમના આંતરસંબંધો દ્વારા સમર્થિત થઈ શકવા જોઈએ. કાવ્યમાં નિયંત્રણ બહાર અર્થો લાદી શકાતા નથી, કે એકને રાખી બાકીના અર્થો રદ કરી શકાતા નથી. સારો કવિ સંદિગ્ધતા માટે કયા સંયોજકો (connectives)નો લોપ કરવો અને કયા ઉત્કર્ષકો (intensives)નો ઉપયોગ કરવો એ બરાબર જાણે છે. સંદિગ્ધતા બે જુદા જુદા અર્થમાં વપરાય છે : ૧, કશુંક ન કહેવાયું હોય એમાંથી જન્મતી સંદિગ્ધતા, જેને અસ્પષ્ટતા (vagueness) તરીકે ઓળખી શકાય, ૨, કશુંક કહેવાયું હોય એમાંથી જન્મતી સંદિગ્ધતા. ચં.ટો.