ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સતનામીસંપ્રદાય


સતનામીસંપ્રદાય : મૂળમાં કબીરપંથી એક પેટાશાખા પ્રાય : સમગ્ર ભારતમાં ‘સતનામીસંપ્રદાય’ તરીકે ઓળખાય છે. રાજસ્થાનના દાદુપંથી સાધુ જગજીવનદાસજીએ એની સ્થાપના કર્યાનું મનાય છે. ગુજરાતમાં આ સંપ્રદાયનું કોઈ મુખ્ય કેન્દ્ર જાણમાં નથી. પરંતુ એના અનુયાયીઓ છૂટાછવાયા ગુજરાતમાં મળે છે ખરા. સતનામીસંપ્રદાયના મુખ્ય સ્થાપક જગજીવનદાસજીરચિત નાનામોટા ગ્રન્થો અને છૂટક રચનાઓ મળે છે, તેમજ બોધીદાસ નામના તેમના શિષ્યે રચેલું જગજીવનદાસજીનું ચરિત્ર પણ છે, જેમાં સતનામીસંપ્રદાયનાં સિદ્ધાન્તો અને આચારસંહિતા છે. સતનામી જગતનો આધાર અને હેતુ સતનામ હોવાનું માને છે. સત્ય, અહિંસા, સંયમાદિ નીતિપરક જીવનનો બોધ કરે છે. સતત નામસ્મરણ અને પ્રત્યેક વચન કે કાર્યના આરંભે સતનામ બોલે છે. સમય જતાં રામ અને હનુમાનની સગુણ ઉપાસના પણ આ સંપ્રદાયમાં સ્વીકાર પામી છે. કબીરપરંપરાના એક અન્ય સંત વીરભાણસાહેબ દ્વારા પણ ‘સતનામીપંથ’ની રચના થયાનું મળે છે. ‘સતનામ’ એટલે ‘ઈશ્વરનું નામ’ એવો સામાન્ય અર્થ થયો છે અને સ્વતંત્ર-મિજાજના સાધુઓએ અનુકૂળતા મુજબ જગ્યાઓ ઊભી કરી ‘સત’ શબ્દને પોતાની આગળ જોડી દીધો જણાય છે. ન.પ.