ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાજવિજ્ઞાન અને સાહિત્ય


સમાજવિજ્ઞાન અને સાહિત્ય (Sociology and literature) : સામાજિક-સાંસ્કૃતિક ઘટકો દ્વારા પ્રભાવિત કે નિર્ણીત થતાં ભાષા અને સાહિત્યને તપાસવા કે વિશ્લેષવા માટે સમાજવિજ્ઞાનના ઘણા આયામો ખપમાં લેવાય છે અને સમાજમાં રહેલી ભાષાને અને ભાષાથી રચાતા સાહિત્યને સમજવાનો પ્રયત્ન થાય છે. આ પ્રકારે સમાજવિજ્ઞાનને અંતર્ગત કરતાં સમાજભાષાવિજ્ઞાન કે સાહિત્યનું સમાજવિજ્ઞાન મહત્ત્વનાં અભ્યાસક્ષેત્રો છે. સાહિત્યકૃતિ અને સામાજિક સંદર્ભ વચ્ચેનો સંબંધ, સાક્ષરતાનું પ્રમાણ, વાચક સમુદાયના પ્રકારો, પ્રકાશનની રીતિઓ, લેખક અને વાચકનું સમાજના ચોક્કસ વર્ગમાં સ્થાન – વગેરે અનેક પ્રશ્નોને સમાજવિજ્ઞાનપરક સાહિત્યઅભિગમમાં આવરી લેવામાં આવે છે. આ અભિગમ સાથે ચાલનારા મોટાભાગના સાહિત્યના ઇતિહાસકારો અને વિવેચકો, લેખકો જે સાંસ્કૃતિક યુગમાં જીવ્યા હોય અને લખ્યું હોય એના વિશિષ્ટ સંજોગો પર તેમજ એમનું સાહિત્ય જે સમાજને પ્રતિબિંબિત કરે છે એની સાથેના એમના સંબંધ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લેખક સમાજના કયા વર્ગમાંથી આવે છે, લેખકની સામાજિક અને અન્ય વિચારધારાઓ કઈ છે, લેખકની આર્થિક સ્થિતિ કેવી છે, લેખક કેવા પ્રકારના વાચકસમુદાય માટે લખે છે – આ બધાં લક્ષ્યો તરફ સાહિત્યના સમાજવિજ્ઞાનની ગતિ હોય છે. ફ્રેન્ચ ઇતિહાસકાર ઇપોલીત તેનને સાહિત્યના પહેલા સમાજવિજ્ઞાની તરીકે ઓળખવામાં આવે છે. આજના સાહિત્ય પરત્વેના સમાજવિજ્ઞાની અભિગમોમાં માર્ક્સવાદી વિવેચન મુખ્ય છે. સમાજવિજ્ઞાન અને સાહિત્યને સાંકળીને ચાલનારા અભિગમો ઘણા પ્રકારના છે : કેટલાક સમાજવિજ્ઞાનપરક અભિજ્ઞતા સાથેના સાહિત્યના અભ્યાસમાં સમાજવિજ્ઞાનપરક સમસ્યાઓ કે સિદ્ધાન્તવિકાસને નહીં પણ સાહિત્યને કેન્દ્રમાં મૂકે છે, એટલેકે સમાજવિજ્ઞાનના નિષ્કર્ષો કે તારણોને તેઓ વિવેચનનાં ઓજાર તરીકે ખપમાં લે છે; કેટલાક સાહિત્યને એક પ્રકારના સમાજવિજ્ઞાન તરીકે સ્વીકારે છે અને સાહિત્યને અન્ય સ્રોતથી અપ્રાપ્ય એવાં સામાજિક મૂલ્યો અને વલણો અંગેની આધારસામગ્રી તેમજ માહિતી લેખે જુએ છે; કેટલાક વૈયક્તિક પ્રતિભાને કે કૃતિની અપૂર્વતા કે કલ્પનાપૂર્ણતાને લક્ષમાં લીધા વિના, સાહિત્ય સમાજમાં કેવી રીતે ઉદ્ભવમાં આવે છે એ પ્રકારની શોધમાં સાહિત્યસર્જનને પ્રભાવિત કરનારાં સામાજિક બળોના અભ્યાસને હાથમાં લે છે; કેટલાક ટેરી ઈગલટનની જેમ સાહિત્યને સામાજિક નીપજ કે સામાજિક બળ તરીકે જુએ છે અને માને છે કે સાહિત્ય સમાજ પર પ્રભાવ પાડે છે અને સતત સમાજવિકાસની પ્રક્રિયા સાથે સંલગ્ન રહે છે; કેટલાક સાહિત્યના પ્રભાવને સામાજિક સમસ્યા રૂપે જુએ છે અને એના દ્વારા સામાજિક પરિવર્તનની દહેશત રાખે છે. બખ્તિનનો સંવાદપરક સાહિત્યસિદ્ધાન્ત, અનુઆધુનિકતાવાદી નવ્યઇતિહાસવાદ કે સાહિત્યનો બહુતંત્ર સિદ્ધાન્ત સાહિત્યકૃતિના અભ્યાસમાં સમાજ-ઘટકની કામગીરીને સ્વીકારીને ચાલે છે અને એ રીતે એમાં સમાજવિજ્ઞાનપરક પરિમાણનો અભ્યાસ અનિવાર્ય બન્યો છે. ચં.ટો.