ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય : ગુજરાતભરમાં બોધક અને પ્રેરક સાહિત્યનો પ્રચાર અને પ્રસાર થઈ શકે એવી ઉદાત્ત ભાવનાથી અમદાવાદમાં ભિક્ષુ અખંડાનંદજી દ્વારા ૧૯૦૭માં સ્થપાયેલી સાહિત્યપ્રકાશન અને પ્રસારણની સંસ્થા. વિશાળ લોકહિતની સાધના માટે પ્રજાને પ્રેરણા પૂરી પાડનારું લોકભોગ્ય સાહિત્ય સસ્તા દરે સુલભ બને એ માટેની અથાક, સુવ્યવસ્થિત ઝુંબેશથી ગુજરાતના ઘરેઘરમાં પુસ્તકો દ્વારા પહોંચી જવાની વિરલ સિદ્ધિ સંસ્થાએ હાંસલ કરી છે. આબાલવૃદ્ધ વાચકો માણી શકે એવા સુરુચિપૂર્ણ સાહિત્યને લોકોના હાથમાં મૂકી આપવાના વિવિધ પ્રયત્નો પૈકીના એક પ્રયત્ન રૂપે પ્રકાશિત થતા મુખપત્ર ‘અખંડઆનંદે’ તેનાં સ્તર અને લોકપ્રિયતા પુનર્જન્મ પછી પણ જાળવી રાખ્યાં છે. ર.ર.દ.