ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યમાં આકૃતિ અને અંતસ્તત્વ


સાહિત્યમાં આકૃતિ અને અંતસ્તત્ત્વ : કલાના ક્ષેત્રમાં આકાર-આકૃતિ અને અંતસ્તત્ત્વના દ્વૈતની ચર્ચા વર્ષોજૂની છે. ઍરિસ્ટોટલના સમયમાં પ્રથમ તત્ત્વજ્ઞાનની ભૂમિકાએ અને પછી કાવ્યશાસ્ત્રની ભૂમિકાએ આકૃતિની ચર્ચા થયેલી જોવા મળે છે. પશ્ચિમના સાહિત્યમાં અઢારમી અને ઓગણીસમી સદીમાં આ ચર્ચા તીવ્ર બને છે અને આ સદીના આરંભે તે તીવ્રતમ બને છે, ગઈ સદી સુધી આકાર અને અંતસ્તત્ત્વના દ્વૈતમાં અંતસ્તત્ત્વ ઉપર ભાર મૂકવામાં આવતો હતો. પરંતુ આ સદીમાં ઝોક આકાર તરફ વધુ વળે છે અને આખરે કેવળ આકારનિર્મિતિ એ જ માત્ર કલાકારનું ધ્યેય છે ત્યાં સુધી આ ચર્ચા પહોંચે છે. એમાંથી આકારવાદની સાહિત્યિક ફિલસૂફી જન્મે છે. આકારની મહત્તા સ્વીકારવા પાછળ આધુનિક ચિત્રકળાનો ઘણો મોટો પ્રભાવ છે. ચિત્રકળામાં વિષયવસ્તુ કરતાં આકારનો મહિમા વધ્યો, જેની અસર સાહિત્યક્ષેત્ર પર પણ પડી. આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર કાળમાં સુરેશ જોષી આદિએ સાહિત્યમાં આકારનો મહિમા સ્વીકૃત થાય તે માટે જેહાદ જગાવી અને એ મતને પુરસ્કારતી રચનાઓ પણ કરી. આમ, આપણે ત્યાં ટૂંકી વાર્તા અને કવિતાના સ્વરૂપ પર આકૃતિના મહિમાનો ઘણો મોટો પ્રભાવ પડેલો જોઈ શકાય છે. પરંતુ આધુનિકોત્તર કાળમાં વળી પાછું લોલક બીજી દિશાએ પહોંચે છે. આકારના અતિરેકમાંથી અંતસ્તત્ત્વના મહિમા તરફ વિવેચન અને સર્જનપ્રવાહ ફંટાય છે. સાહિત્યકલાના ઇતિહાસની આ હકીકત એ સિદ્ધ કરી આપે છે કે કલાકૃતિમાં એક તબક્કે ભલે આકૃતિનો મહિમા થયો હોય કે થતો હોય અને બીજા તબક્કે અંતસ્તત્ત્વનો મહિમા થયો હોય કે થતો હોય, પણ સફળ કલાકૃતિમાં આકૃતિ અને અંતસ્તત્ત્વનું સમ્યક્ કલારસાયણ થયું હોય છે. કોઈ ભાવ, ભાવના, વિચાર આદિ સર્જકની અમૂર્ત સંપત્તિ છે. પરંતુ એ જ્યારે શબ્દના માધ્યમ દ્વારા અભિવ્યક્ત થાય છે ત્યારે મૂર્તરૂપ ધારણ કરે છે અને આ મૂર્તરૂપ કલાત્મક બને છે ત્યારે તે ભાવકને માટે આસ્વાદ્ય બને છે. ગમે તેવા ભવ્યોદાત્ત વિચારો, આલીશાન ભાવનાઓ કે હૃદયસ્પર્શી ભાવો અભિવ્યક્તિની કક્ષાએ કેવળ ગઠ્ઠા-ગાંગડા જ રહે અને શબ્દદેહે આકારનિર્મિતિ ન પામે તો તેનું કલાકીય મૂલ્ય રહેતું નથી. તો બીજી તરફથી ઠાલા આકારોનું પણ અદકેરું મૂલ્ય નથી. વરાળનાં ફૂલો જેવી આ આકારનિર્મિતિના અતિરેક સામે અંતસ્તત્ત્વના પુન : મહિમાસ્થાપનની પ્રવૃત્તિ શરૂ થઈ. પણ આકાર અને અંતસ્તત્ત્વ એ સાચી કલાકૃતિના અંતિમો નથી. કલાકૃતિને આકાર વગર ચાલતું નથી અને આવા આકાર માટે સામગ્રીરૂપ અંતસ્તત્ત્વનો પણ અનિવાર્ય સ્વીકાર છે. ધી.પ.