ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યમાં સાતત્ય અને પરિવર્તન


સાહિત્યમાં સાતત્ય અને પરિવર્તન : ‘પરંપરા અને આધુનિકતા’, ‘પરંપરા અને પ્રયોગ’, ‘સનાતન અને નૂતન’ વગેરે શબ્દગુચ્છોમાં માત્રાભેદે સાતત્ય અને પરિવર્તનનો જ સંદર્ભ ચર્ચાયો છે. સર્જકતાની પ્રાચીન ભારતીય સમજમાં એને ‘નવોન્મેષશાલિની પ્રજ્ઞા’ તરીકે ઓળખવામાં આવે છે. સર્જકતા અ-પૂર્વતાની જનક મનાઈ છે. બીજી તરફ આજના વિજ્ઞાનવાદી દૃષ્ટિકોણે પણ આપણને શીખવ્યું કે આ જગતમાં જો કોઈ કાયમી ઘટના હોય તો તે પરિવર્તન છે. વસ્તુજગતમાં ચાલતી આ સાતત્યપૂર્ણ પરિવર્તનની પ્રક્રિયા મનુષ્યના ભાવજગતમાં પણ એ જ રીતે ચાલતી હોય છે. ભાવજગતમાં ચાલતી સાતત્ય-પરિવર્તનની પ્રક્રિયા અપ્રત્યક્ષ હોઈને સૂક્ષ્મ લાગે છે. કળાસર્જક, વિશેષત : સાહિત્યસર્જક મનુષ્યના ભાવજગત સાથે પનારો પાડતો હોઈને તેનું કામ વિશેષ કપરું છે. દૃષ્ટાંતથી આ વાત સમજીએ તો ખેતીઆધારિત વિકેન્દ્રિત અર્થતંત્ર સાતત્યમાં હતું તે હવે ઔદ્યોગિક તંત્રવિજ્ઞાનથી પ્રભાવિત અર્થતંત્રમાં પરિવર્તિત થયું છે. જાતિવાદ, જ્ઞાતિવાદ, સંયુક્ત કુટુંબપ્રથાની વચાળે જ પ્રગતિવાદ, વ્યક્તિસ્વાતંત્ર્ય અને સમાનતાવાદનું મોજું ઊભું થયું છે. રાજાશાહી, સામંતશાહી રાજ્યમાંથી આપણે લોકશાહી પ્રજાતંત્રમાં પરિવર્તિત થયા છીએ. સાહિત્યિક આંદોલનોમાં આવેલાં પરિવર્તનો પણ આ દૃષ્ટિએ જોઈ શકાય. પ્રશિષ્ટતાવાદની સામે રંગદર્શિતાવાદનું, રંગદર્શિતાવાદ સામે વાસ્તવવાદનું, વાસ્તવવાદની સામે આધુનિકતાવાદનું આંદોલન સાતત્ય અને પરિવર્તનનું ઉદાહરણ છે. સાહિત્યકૃતિના બંને પક્ષો – વસ્તુપક્ષ અને અભિવ્યક્તિપક્ષમાં આ પ્રક્રિયા સૂક્ષ્મપણે ચાલતી હોય છે. એક વખતનાં આખ્યાનો લુપ્ત થઈ ગયાં, મહાકાવ્યો લુપ્ત થઈ ગયાં અને નવલકથાઓ લખાઈ રહી છે. સાતત્ય કંટાળાપ્રેરક હોઈને મનુષ્ય નવીનતાનો આગ્રહી રહ્યો છે. માત્ર માત્રામેળના માર્ગે ચાલતી ગુજરાતી કવિતાપ્રવાહમાં નર્મદ ઝંપલાવતાં જ અક્ષરમેળ વૃત્તપ્રીતિ દાખવે છે. નવીનતાનો હઠાગ્રહ ક્વચિત્ પ્રયોગખોરી તરફ પણ દોરી જાય છે. સાતત્યના કંટાળા સામે અથડાતી આવી પ્રયોગખોરીઓની વચ્ચે જ પ્રયોગશીલ સર્જક જન્મતો હોય છે. સાતત્યમાંના સાચવવા જેવા અંશો સાચવી લઈને પરિવર્તનના માર્ગે પળનારા મોટા સર્જકો થયા છે. પરંપરાને આત્મસાત્ કર્યા વિના કોઈપણનું વ્યક્તિગત નૈપુણ્ય ફોરી શકતું નથી એવો મતલબ પ્રગટ કરનાર એલિયટ કે પરંપરાની કુલડીમાં જ નવીનોને પોષક રસાયણ તૈયાર થતું હોય છે એમ કહેનાર સુરેશ જોષીનાં વિધાનોમાં સાતત્ય અને પરિવર્તનના દ્વંદ્વને પકડનાર સર્જક જ મોટો સર્જક હોય છે તેવો અર્થ ગર્ભિત છે. સ્ટીફન સ્પેન્ડરે સમકાલીન અને આધુનિકની જે ચર્ચા કરી છે તેમાં એ જ વાત કરી છે કે સમકાલીન સર્જક પોતાના સમયના પ્રવાહને ઝીલે છે અને એમાં જ વહે જાય છે; અને એના યુગના દ્વંદ્વને પારખી શકતો નથી જ્યારે આધુનિક સર્જક પારખી શકે છે. આવો દ્વંદ્વ પારખી શકવા માટે જ એણે પરંપરાને આત્મસાત્ કરવી ઘટે. સાતત્ય, પરંપરા અને રૂઢિ વચ્ચે ભેદ છે. પરંપરા કે સાતત્યને અંગ્રેજીમાં ‘Tradition’ કહેવામાં આવે છે જ્યારે રૂઢિને ‘Convention’. ‘પરંપરા’માં અવિચ્છિન્ન શૃંખલાનો, પ્રણાલી, ક્રમનો સંદર્ભ સમાયેલો છે. તેથી ત્યાં ‘સાતત્ય’ની સાથે ‘નૂતન’ને આવકાર છે. ‘પરંપરા’માં ગતિશીલતા અને સાતત્ય છે, જે ‘રૂઢિ’માં નથી! પરંપરા’ જીવંતતા ખોઈ બેસે છે ત્યારે તે ‘રૂઢિ’માં પરિણમે છે. પરિવર્તન માટે આવી રૂઢિઓ તોડવી પડે છે. સાહિત્યિક વિકાસની ગતિ છત પર લગાડેલા પંખા જેવી વર્તુળાકાર નહીં પણ ઉપર જતી વર્તુળકાર સીડી જેવી હોય છે. સાતત્યની અડોઅડ જ પરિવર્તન જન્મે છે. ભ.મ.