ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સીમાસંધિ


સીમાસંધિ(Juncture) : ભાષાના કોઈપણ રૂપને આકાર આપવામાં ધ્વનિનો ક્રમ, કાલમાન, સ્વરભાર વગેરે તત્ત્વો ભાગ ભજવતાં હોય છે. ઉપરાંત રૂપની સીમાનો સંકેત પણ તેની સાથે મળેલો હોય છે. જેમકે ૧, ઘોડા પાસે આવ્યા. ૨, તેઓ ઘોડા પાસે આવ્યા. આ બંને ઉક્તિમાં ધ્વનિઓની શૃંખલા એકસરખી હોવા છતાં જે અર્થભેદ થાય છે તે રૂપોની સીમા વચ્ચે આવતા શક્ય વિરામને લીધે. આ તત્ત્વને સીમાસંધિ કહે છે. આમ ભેદક ધ્વનિઓ જે રીતે એકબીજાને અનુસરે, ને વાણીના પ્રવાહમાં ‘જોડાય-સંધાય’ તે સીમાસંધિ. ગુજરાતી ભાષામાં ઉક્તિઓની એવી થોડી જોડીઓ મળે છે. જેમાં સીમાસંધિના તત્ત્વને લીધે અર્થભેદ થતો હોય : કેવટનું જીવન નૌકા ઉપર નભે છે. આપણી જીવનનૌકા ઈશ્વરાધીન છે. આ તત્ત્વથી ઘણા પ્રચલિત શ્લેષો પણ પેદા થાય. જેમકે દીવાનથી દરબારમાં, છે અંધારું ઘોર/દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. ઊ.દે.