ગુજરાતી સૉનેટકાવ્યો/પ્રભાતે

૧૩૦. પ્રભાતે

હર્ષદ ત્રિવેદી

તમે ભૈ જાગ્યા કે? હજી લગ સૂતા ઘારણ લઈ!
અરે આ દાદો તો હળુહળુ ચડ્યો ઝાડ ઉપરે,
જુઓ પર્ણેપર્ણે ઝગમગ થતું તેજ વરસે;
અટારીમાં આવી શિશુ-અચરજે હાઉક કરે!

અરે કાઢે આંખો, હજી ઊંઘણશી કાં ન ઊઠતા?
કદી તો જાગીને કલબલ સૂણો આ પ્રભાતી,
બધાં પક્ષી ઊડી ઊડી ચહકતાં ગાન કરતાં;
છતાં કૈં ના સ્પર્શે? નીંદર ભલી ભાવે ભળકડે!

તમે સૂંઘો, સૂણો, સહજ રીતથી આંખ ઊંચકો,
નિહાળી લો મીઠું, મીઠું મરકતો તીવ્ર તડકો,
અને શ્વાસે શ્વાસે સહજ સ્ફુરશે વાત નવલી;
ચહો તો ઊંડાણે ભરી પણ શકો આ પીમળને!

તમારી ઊર્મિના પ્રબળ પડશે ક્યાંક પડઘા,
ફરી રૂંઝું ટાણે રગ રગ મહીં સૂર્ય સરશે!