ગુજરાતી સૉનેટકાવ્યો/ભણકારા

૧. ભણકારા

બ. ક. ઠાકોર

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાંનીંચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચૉંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સના લપાતી;
ને બીડેલાં કમલમહિં બંધાઈ સૌંદર્યઘેલો
ડોલે લેટે અલિ મૃદુ પદે વાય આ વાયુ તેવો.
ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે ડોલંતી ગતિ પર સજૂં બીનના તાર મંદ,
તેમાં આ શી-રજિન ઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,
—પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નિતરિ નિગળે અંતરે શીય, સેહ્‌ની! ૧૪