zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સૉનેટકાવ્યો

ગુજરાતી સૉનેટકાવ્યો/પ્રેમની ઉષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨. પ્રેમની ઉષા

બ. ક. ઠાકોર

પાડી સેંથી નિરખિ રહિ’તી ચાંદલો પૂર્ણ કરવા,
ઓષ્ઠો લાડે કુજન કરતા, ’કંથ કોડામણા હો,
વલ્લીવાયૂ રમત મસતી ગૅલ શાં શાં કરે જો!’
ત્યાં દ્વારેથી નમિ જઈ નિચો ભાવનાસિદ્ધિદાતા
આવ્યો છૂપો અરવ પદ, જાણે ચહે ચિત્ત સરવા,
— ને ઓચિંતી કરઝડપથી બે ઉરો એક થાતાં!
કંપી ડોલી લચિ વિખરિ શોભા પડી સ્કંધદેશે,
છૂટી ઊંચે વળિ કરલતા શોભવે કંઠ હોંસે :
‘દ્‌હાડે યે શૂ?’ ઉચરિ પણ મંડ્યાં દૃગો નૃત્ય કરવા,
‘એ તો આવ્યો કુજન કુમળૂં આ મિઠું શ્રોત ભરવા.’
‘એ તો રાતો દિ’ ફરિફરી ઊર ઉપડ્યાં કરે છે.’
‘તોયે મીઠૂં અધિક ઉભયે કંઠ જ્યારે ભળે છે.’
ગાયૂં : પાયાં જિગરે જિગરે પેયુષો સામસામાં,
ન્હૈ ત્યાં ચાંદા સુરજ હજિ, એ પ્રેમ કેરી ઉષામાં. ૧૪