ગુજરાતી સૉનેટકાવ્યો/મળી ન્હોતી જ્યારે –

૨૪. મળી ન્હોતી જ્યારે –

ઉમાશંકર જોશી

મળી ન્હોતી ત્યારે તુજ કરી હતી ખોજ કશી મેં?
ભમ્યો’તો કાન્તારે, કલવર કરંતાં ઝરણને
તટે ઘૂમ્યો, ખૂંદ્યો ગિરિવર તણો સ્કંધપટ, ને
દ્રુમે ડાળે ડાળે કીધ નજર માળે ખગ તણા.

મળી ન્હોતી જ્યારે દિવસભરની જાગૃતિ મહીં,
મળી’તી સ્વપ્નોમાં મદિલ મિલનોની સુરભિથી.
સુગંધે પ્રેરાયો દિનભર રહ્યો શોભ મહીં, ને
દિવાસ્વપ્ને ઝાંખી કદીકદી થતાં થાક ન લહ્યો.

મળી અંતે સ્વપ્નો સકલ થકીયે સ્વપ્નમય જે.
મળી આશાઓની ક્ષિતિજ થકીયે પારની સુધા,
સૂની આયુર્નૌકા મુજ ઝૂલતી’તી અસ્થિર જલે,
સુકાને જૈ જોતી મળી જગતઝંઝાનિલ મહીં.
મળી ન્હોતી ત્યારે, પ્રિય, જલથલે ખોજી તુજને
રહું શોધી આજે તુજ મહીં પદાર્થો સકલ એ.
૨૫-૧૧-૧૯૩૭