ગુજરાતી સૉનેટકાવ્યો/સંદેશ પશ્ચાત્‌ યક્ષની લીલાવસ્થા

૯૪. સંદેશ પશ્ચાત્‌ યક્ષની લીલાવસ્થા

ચન્દ્રકાન્ત ટોપીવાળા

સહેજ અટક્યો, કડાક નિજ વજ્ર શા કાટકે
વિદાર્યું ઉર ના, સુધાલહર જેમ લ્હરી ક્ષણ
સુરમ્ય વીજવલ્લીને, પ્રણય-બંધ બાંધ્યો મને!
સહેજ અટક્યો, સહસ્ર-જલધારની ઝાપટે
કર્યું ન ઉર છિન્નભિન્ન, લવ એક બે બુન્દથી
નીચે લગીર આવી, ભેટી ક્ષણ આપી શાતા મને!
સહેજ અટક્યો, કૂડાં કુટિલ કારમાં કામણે
કર્યું ન ઉર ખાખ, મેઘ અમીઆંખ માંડી ગયો!
ગયો ક્ષિતિજ પાર પાર દૂર દૂર વેગે ગયો!
જરૂર, મુજ કાજ ઉત્સુક વિયોગથી વિહ્‌વલ
પ્રિયા સમીપ પારિજાતની મહેક શો સંચરી
ધીરે અતિધીરે સરી મધુર કર્ણ ઉચ્ચારશે!
રહે હૃદય, તો ઘડીક તુજ છોડ અંદેશને;
સલજજમુખ રાગયુક્ત સૂણતાં જ સંદેશને!
૨૮-૧૦-૬૩