ગુજરાતી સૉનેટકાવ્યો/હવે....

૧૨૬. હવે....

આશ્લેષ ત્રિવેદી

ધીરે ખોલી તાળું મુજ ઘર તણું અંદર સરું,
મને આલિંગે ત્યાં રજ તુજ સમી રેશમ બની.
રડે ખૂણેખૂણો, ફરફર.... બધા કાગળ ઊડી
મને ઘેરે જાણે, કરુણ કથની ત્યાં ય સુણતો.
ખીલેલાં સ્વપ્નોની કબર સરખી ભોંય ઉપરે
જરા મૂંગો ચાલું વ્યથિત હૃદયે છિદ્ર છતનું
ચૂએ ત્યાં આષાઢી જલ, હૃદય આગે બળી જતું.

કઢંગી તે કેવી મુજ સદનની હાલત થઈ!
પણે મેલાં વસ્ત્રો ખૂબ લટકતાં હેંગર પરે,
ઝૂરે ડબ્બા ખાલી, અરવ ઝૂરતાં વાસણ, પણે
વીંખાયેલો માળો કબૂતર તણો ભીંત–ઘડી પે,
સુકાયેલો પેલો મધુરજનીનો હાર લઈને
પણે ભીંતે તારી છવિ લટકતી એમ જ, અને
હવે એની ઓથે નિજ ઘર રચે કોઈ ચકલું!