ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/લોકસાહિત્ય (પીએચ.ડી.)
| ૧. | શીર્ષક | : | ’મોટિફ’નો અભ્યાસ અને કેટલીક પસંદિત ગુજરાતી લોકકથાઓમાં તેની તપાસ |
| સંશોધક | : | સરૂપ ધ્રુવ | |
| માર્ગદર્શક | : | પ્રો. મોહનભાઈ પટેલ | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૭૬ |
ટૂંકસાર :
પ્રસ્તુત મહાનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. સંશોધનકર્તાએ ગુજરાતી લોકકથાઓમાં ‘મોટિફ’ને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રકરણ-૧માં વિશ્વકક્ષાએ લોકકથાના અભ્યાસની શરૂઆત તથા એ દિશામાં થયેલાં સંશોધન-સંપાદનના પ્રારંભિક પ્રયત્નો વિશે વિગતે ચર્ચા રજૂ કરી લોકકથાનાં લક્ષણોનો પરિચય કરાવ્યો છે. પ્રકરણ-૨માં લોકવાર્તામાં ‘મોટિફ’નું કાર્યક્ષેત્ર, તેનું મહત્ત્વ વગેરેની ઉદાહરણ સહિત ચર્ચા કરી છે. જેમાં ‘મોટિફ’ શબ્દના મૂળ વિશે તથા અન્ય કળાઓમાં ‘મોટિફ’નું પ્રયોજન-મહત્ત્વ વગેરે મુદ્દાઓને આવરી લીધાં છે. પ્રકરણ-૩માં ‘મોટિફ’ વિશે અન્ય ભારતીય ભાષાઓમાં કેવો અને કેટલો અભ્યાસ થયો છે તેની માહિતી રજૂ કરી છે. ‘મોટિફ’નો અભ્યાસ કરવાની પદ્ધતિ વિશે પણ ખ્યાલ આપ્યો છે. પ્રકરણ-૪ માં ગુજરાતી લોકવાર્તાઓમાંથી કેટલીક પસંદ કરેલી લોકવાર્તાઓમાં રહેલાં ‘મોટિફ’ દર્શાવી નમૂનારૂપે તેની વિચારણા રજૂ કરી છે. આ મહાનિબંધમાં ‘મોટિફ’ વિશે તાત્ત્વિક ચર્ચા રજૂ થઈ છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.
| ૨. | શીર્ષક | : | સિધ્ધપુર તાલુકાના મક્તુપુર ગામનું ગેયસાહિત્ય-સંપાદન અને અધ્યયન ભાગ ૧, ૨ |
| સંશોધક | : | અમૃતલાલ પરસોત્તમદાસ પટેલ | |
| માર્ગદર્શક | : | પ્રો. કનુભાઈ જાની | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૮૫ |
ટૂંકસાર :
પ્રસ્તુત મહાનિબંધ આઠ પ્રકરણોમાં વિભાજિત છે. સંશોધનકર્તાએ વિષય સંદર્ભે માહિતી એકત્રિત કરવા માટે ક્ષેત્રકાર્ય, મુલાકાત, નિરીક્ષણ, ધ્વનિમુદ્રણ, ગ્રંથાલય કાર્ય, વગેરે પદ્ધતિઓ અપનાવી છે. વિષયનું કાર્યક્ષેત્ર મહેસાણા જીલ્લાનાં સિધ્ધપુર તાલુકાના મક્તપુર ગામના લોકગીતોમાંના લોકજીવનનો અભ્યાસ કરવાનું રહ્યું છે. સંશોધનકર્તાએ ગોકુળાષ્ટમીની આસપાસ વરસાદની ઋતુ પહેલાં સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનું સંપાદન કર્યું છે. સંપાદિત લોકગીતો દ્વારા લોકજીવનનો પરિચય આપવાનો હેતુ પણ અહીં રહ્યો છે. સંશોધનકર્તા મક્તુપુર ગામ વિશેની માહિતી, લોકગીતનું સ્વરૂપ તથા તેના પ્રકારો વિશે વિગતે ચર્ચા કરેલી છે. વિભાગ-૧માં સંપાદિત લોકગીતો, ઊર્મિગીતો, ટોળટપ્પાનાં ગીતો, પ્રહેલિકા ગીતો, કૃષ્ણ વગેરે દેવોના ઉલ્લેખવાળાં ગીતો, અફીણ, દારૂ, જુગાર, તમાકુ વગેરે વિશેનાં ગીતો, તિથિ, ઋતુગીતો, રમત-અભિનય ગીતો, ગરબા, રમેલ વખતે ગવાતાં ગીતો, ભજનો વગેરેનું સંપાદન તથા વર્ણન કરેલ છે. વિભાગ-૨માં સંપાદિત ગીતોમાં લોકાખ્યાન, કથાગીતો અથવા રાસડા તથા સંપાદિત અન્ય ગીતોનો ઊંડાણથી અભ્યાસ રજૂ કર્યો છે. લોકસાહિત્યનું સંશોધન - સંપાદન કરનારે કેટલીક ચોકસાઈ રાખવી પડે છે તેમાંની એક છે માહિતીદાતાની જ બોલીમાં ગીતને ઉતારી લેવું. આ મહાનિબંધમાં તે ચોક્કસ નજરે પડે છે.
| ૩. | શીર્ષક | : | વલસાડ અને નવસારી જિલ્લાના માછીસમાજમાં ગવાતાં લોકગીતો |
| સંશોધક | : | દિનકર જ. ટંડેલ | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ૨૦૦૮ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ કુલ છ પ્રકરણોમાં વિભાજિત છે. પ્રથમ પ્રકરણમાં સંશોધનની પદ્ધતિઓ વિશે વિચારણા થઈ છે. લોકસાહિત્યનાં સંશોધનની વિશેષતા, મર્યાદા તથા સાંપ્રત સમયના પ્રશ્નોની ચર્ચા પણ અહીં થઈ છે. બીજાં પ્રકરણમાં વલસાડ અને નવસારી જિલ્લાનો ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિચય અપાયો છે. જિલ્લાની સ્થાપના, ઐતિહાસિક તવારીખ, નામકરણ તેમજ જિલ્લાઓની વસ્તી અંગેની આધારભૂત માહિતી અહીં અપાઈ છે. તે ઉપરાંત જમીન, જળસંપત્તિ, ઉદ્યોગો, શૈક્ષણિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત પરિચય અપાયો છે. ત્રીજાં પ્રકરણમાં માછીમાર સમાજની ઉત્પત્તિ અને તેમનાં જીવનની લાક્ષણિક પરિસ્થિતિઓનો પરિચય અપાયો છે. માછીમારોની સામાજિક પરંપરા સંદર્ભે જન્મ, લગ્ન અને મૃત્યુસંબંધી સંસ્કારોનો ખ્યાલ અહીં અપાયો છે. ચોથા પ્રકરણમાં ‘લોકવિદ્યા’ની વિભાવના સ્પષ્ટ કરીને લોકસાહિત્ય અને લોકગીતના ઉદ્ભવ-વિકાસ-સ્વરૂપો અને તેમાં આવેલાં પરિવર્તનનો ખ્યાલ અપાયો છે. પાંચમાં પ્રકરણમાં ક્ષેત્રકાર્ય કરીને મેળવેલાં વલસાડ અને નવસારી જિલ્લામાં ગવાતાં માછીસમાજનાં જીવનચક્ર અંતર્ગત ૩૦૦ લોકગીતો અને ઋતુચક્ર અંતર્ગત લોકગીતો બે વિભાગમાં સંપાદિત કરીને અપાયાં છે. છઠ્ઠાં પ્રકરણમાં ઉપરોક્ત લોકગીતોનું વિષયવસ્તુ, અભિવ્યક્તિરીતિ, ગુણવત્તા, શબ્દભંડોળ, ભાષાશૈલી વગેરે બાબતોની સમીક્ષા કરીને મૂલ્યાંકનલક્ષી તારણો રજૂ થયાં છે. પરિશિષ્ટરૂપે સંદર્ભગ્રંથ સૂચિ, માહિતીદાતાઓની યાદી તથા ક્ષેત્રકાર્ય આધારિત તસવીરો અપાઈ છે.
| ૪. | શીર્ષક | : | કારડિયા રાજપૂત સમાજમાં ગવાતાં સંસ્કારગીતો : એક અધ્યયન (જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર જિલ્લાના વિશેષ સંદર્ભમાં) |
| સંશોધક | : | સંજય એ. ડોડિયા | |
| માર્ગદર્શક | : | ડૉ. ભગવાનદાસ પટેલ | |
| સહમાર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ૨૦૧૧ |
ટૂંકસાર :
પ્રસ્તુત મહાનિબંધ કુલ છ પ્રકરણોમાં વિભાજિત છે. પહેલાં પ્રકરણમાં સંશોધનનો અર્થ સમજાવી તેની પદ્ધતિઓ અને હેતુઓ તેમ જ સંશોધન કાર્યક્ષેત્રની વાત કરી છે. બીજાં પ્રકરણમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાનો ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિચય આપ્યો છે. જિલ્લાની સ્થાપના, ઐતિહાસિક તવારીખ, તેનું નામકરણ તેમ જ આ જિલ્લાઓની વસ્તી અંગેની માહિતી અહીં અપાઈ છે. તે ઉપરાંત આબોહવા, જમીન, જળસંપત્તિ તેના વિવિધ પાકો, ઉદ્યોગો, શૈક્ષણિક પ્રવૃત્તિઓનો પરિચય પણ અહીં આપ્યો છે. ત્રીજાં પ્રકરણમાં ‘લોકસાહિત્ય’ સંજ્ઞા અને સ્વરૂપની વિચારણા કરતી વિવિધ વ્યાખ્યાઓ આપીને તેનાં ઘટકતત્ત્વો સ્પષ્ટ કરાયાં છે. લોકસાહિત્યનાં પ્રકારો, લક્ષણો અને લોકગીતોના પ્રકારો વિશેની માહિતીનો પણ અહીં સમાવેશ થયો છે. ચોથાં પ્રકરણમાં કારડિયા રાજપૂત સમાજનો પરિચય આપ્યો છે. તે સમાજની ઉત્પત્તિ અને વિવિધ પરિસ્થિતિનો રસપ્રદ પરિચય અહીં મળે છે. પાંચમાં પ્રકરણમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાના કારડિયા રાજપૂત સમાજમાં ગવાતાં સંસ્કારગીતોને જીવનચક્ર અંતર્ગત લોકગીતો અને ઋતુચક્ર અંતર્ગત લોકગીતો એમ બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. છઠ્ઠાં પ્રકરણમાં ઉપરોક્ત લોકગીતોનાં વિષયવસ્તુ, અભિવ્યક્તિ, ગુણવત્તા, શબ્દભંડોળ, ભાષાશૈલી વગેરે બાબતોની સમીક્ષા કરી શોધકાર્યને અંતે સાંપડતા તારણો રજૂ થયાં છે.
| ૫. | શીર્ષક | : | રાઠવા સમાજનાં સંસ્કારગીતો : એક અધ્યયન |
| સંશોધક | : | રતિલાલ સી. રાઠવા | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષાબહેન ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ૨૦૧૨ |
ટૂંકસાર :
પ્રસ્તુત મહાનિબંધ છ પ્રકરણોમાં વિભાજિત છે. પ્રથમ પ્રકરણમાં લોકસાહિત્ય અને આદિવાસી સાહિત્યને ધ્યાનમાં રાખી તેના પ્રકારો, લક્ષણોની વિગતે ચર્ચા કરી છે. ‘લોકવાદ્ય’ની સંજ્ઞા પણ અહીં સમજાવાઈ છે. બીજાં પ્રકરણમાં રાઠવા જાતિનો ઈતિહાસ અપાયો છે. તેના ઉદ્ભવ, વિકાસ, પાલન-પોષણ, પરંપરા, વ્યવસાય, તહેવારો, શિક્ષણ વગેરેની આધારભૂત વિગતો અહીં અપાઈ છે. ત્રીજાં પ્રકરણમાં ‘સંસ્કારગીતો’ સંજ્ઞા તથા તેનાં વિવિધ સ્વરૂપોની વિગતે ચર્ચા થઈ છે. અહીં સંસ્કારગીતોની સમગ્રલક્ષી તત્ત્વચર્ચા કરવામાં આવી છે. ચોથાં પ્રકરણમાં ક્ષેત્રકાર્યથી પ્રાપ્ત કરવામાં આવેલાં રાઠવા સમાજમાં ગવાતાં સંસ્કારગીતો વર્ગીકૃત કરીને આપવામાં આવ્યાં છે. અહીં જન્મથી માંડીને વિવિધ તહેવારો, લગ્ન, રીત-રિવાજો અને મૃત્યુ સમયે ગવાતાં ગીતો રજૂ થયાં છે. પાંચમું પ્રકરણ "રાઠવા જાતિના સંસ્કારગીતો" છે. આ પ્રકરણમાં સંપાદિત ગીતોનું મૂલ્યાંકન કરી કલાદૃષ્ટિએ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. છઠ્ઠાં પ્રકરણમાં ઉપસંહાર રૂપે સંશોધનકાર્યના તારણો રજૂ થયાં છે. પરિશિષ્ટમાં સંદર્ભગ્રંથોની સૂચિ, માહિતીદાતાઓની યાદી અને રાઠવા સમાજની પરંપરા દર્શાવતી વિવિધ તસવીરો રજૂ થઈ છે.