ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/બાનો ફોટોગ્રાફ — સુન્દરમ્

બાનો ફોટોગ્રાફ

સુન્દરમ્

સુન્દરમ્ નું કથાકાવ્ય ‘બાનો ફોટોગ્રાફ' ૧૯૩૩માં પ્રકટ થયું હતું. ફોટો આટલાં વર્ષો પછી પણ ઝાંખો પડ્યો નથી.

અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા,
ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડયા.

ભવ્ય શા સ્ટુડિયોમાં ત્યાં ભરેલી ખુરસી પરે,
બાને બેસાડી તૈયારી ફોટો લેવા પછી થતી.

‘જરા આ પગ લંબાવો, ડોક આમ ટટાર બા!’
કહેતો મીઠડા શબ્દે ફોટોગ્રાફર ત્યાં ફરે.

સાળુની કોર ને પાલવ શિરે ઓઢેલ ભાગ ત્યાં
ગોઠવ્યાં શોભતી રીતે ફૂલ, પુસ્તક પાસમાં.

પહેલા શ્લોકમાં જ કહી દેવાયું છે કે ભાવતાલ નક્કી કર્યા પછી જ બન્ને ભાઈ સ્ટુડિયોમાં ચડ્યા હતા. ભાઈઓને ‘ભાવના' કરતાં ‘ભાવ'માં વધુ રસ હતો. સ્ટુડિયોમાં ઝાકઝમાળ અને કૃત્રિમ વાતાવરણ હોય.ગાદીવાળી ખુરશી પર, પુસ્તકો અને ફૂલો વચ્ચે, બાને બેસાડવામાં આવ્યાં. આવા ઠાઠમાઠમાં બેસવાનું બાના ભાગ્યમાં કદી આવ્યું નહોતું.બાની સગવડ માટે આવી કાળજી પહેલાં કદી રખાઈ નહોતી. કેમેરા પર કાળું વસ્ત્ર ઓઢાડી, ફોકસ કરીને ફોટોગ્રાફર બોલ્યો-

‘જોજો બા, સ્થિર હ્યાં સામું, ક્ષોભ ને શોક વિસ્મરી
ઘરમાં જેમ બેઠાં હો, હસતાં સુખડા સ્મરી.

આછેરું હસજો ને બા, પાંપણો પલકે નહિ,
રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં.’

ફોટોગ્રાફર કહે છે- હસતું મોઢું રાખજો, બાકીનું બધું અમે સંભાળી લઈશું! તમારા સુખના દિવસો યાદ કરજો એટલે મુખ પર સ્મિત આપોઆપ આવશે. કાવ્યનાયક બાનું મોં જોવા ફર્યો અને તેને બાનો ભૂતકાળ યાદ આવ્યો.અહીંથી ફ્લેશબેક શરૂ થાય છે...

યૌવને વિધવા, પેટે છોકરાં ચાર, સાસરે
સાસુ ને સસરા કેરા આશ્રયે બા પડી હતી.

વૈતરું ઘર આખાનું કરીને દિન ગાળતી,
પુત્રોના ભાવિની સામું ભાળીને ઉર ઠારતી.

બાએ ના જિંદગી જોઈ, ઘરની ઘોલકી તજી,
એને કોએ ન સંભાળી, સૌને સંભાળતી છતાં.

વિધવા થઈને આખો જન્મારો બાએ સસરા-સાસુની દયા પર જીવવું પડ્યું. ચાર સંતાનોને ઉછેરતાં કાયા કંતાઈ ગઈ. પોતાની ઘોલકી (નાનું, અંધારિયું ઘર) બહારની દુનિયા તે કદી જોઈ ન શકી.તેની કાળજી લેનાર કોઈ કરતા કોઈ ન મળ્યું. કવિએ બાનું કરેલું આવું વર્ણન લાગણીવેડા થઈને નથી રહેતું કારણ કે તે સ્ટુડિયોમાં બનેલા પ્રસંગના નિરૂપણમાં સ્વાભાવિક રીતે આવે છે. બાની બીમારીનો ઇલાજ કરાવવાનું પોતાનું કર્તવ્ય સમજીને સંતાનો તેને શહેરમાં લાવ્યા, બાગબગીચા - સિનેમાનાટક બતાવ્યાં, ગાડીમાં તેને ઘુમાવી, રખેને કોઈ અમંગળ ઘટના બને એવી આશંકાથી ફોટો પડાવવા સ્ટુડિયોમાં લાવ્યા.બા કેવી હતી?

પુત્રોથી, પતિથી, સાસુ સસરાથી, અરે, બધા
વિશ્વથી સર્વદા સાચ્ચે બિચારી બા ઉપેક્ષિતા

શિષ્ટ છતાં આડંબર વિનાની ભાષામાં સુન્દરમે પ્રસંગ કહ્યો છે. રામાયણ અને મહાભારતની કથા જેમાં કહેવાઈ તે અનુષ્ટુપ છંદ કથાકથન માટે આમેય અનુકૂળ છે. કવિએ જરૂરત વગરનો એકેય શબ્દ પ્રયોજ્યો નથી. અહીં ફ્લેશબેક પૂરો થયો. ફોટોગ્રાફરે બાને હસતું મોઢું રાખવાનું કહ્યું, પણ...

અને બા હસતી કેવું જોવાને હું ફર્યો જહીં,
બોર શું આંસુ એકેક બાને નેત્ર ઠર્યું તહીં.

ચિડાયો ચિત્ર લેનારો, ‘બગડી પ્લેટ માહરી'
પ્લેટ શું જિંદગીઓ કૈં બગડી રે હરિ, હરિ!

ભૂતકાળ સંભારીને સ્મિત કરવાનું ફોટોગ્રાફરે કહી તો દીધું, પણ બા કયા મોઢે હસે? બાની જિંદગીના નિચોડ સમાં આંસુ પ્લેટ પર રેલાઈ ગયાં. આ બાજુ ફોટો બગડ્યો, તે બાજુ જિંદગી બગડી.

પ્રસંગ કાવ્યનાયકના સ્વમુખે કહેવાયો હોવાથી તેમાં અંગતતા ભળે છે. અહીં ઇમોશનલ બ્લેકમેલ નથી પણ ઊર્મિની સંયત અભિવ્યક્તિ છે.

***