ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/દળણાંના દાણા — ઉમાશંકર જોશી
ઉમાશંકર જોશી
ખરા બપોર ચઢ્યે દાણા રે કાઢવા
ઊંડી કોઠીમાં ડોશી પેઠાં રે લોલ
કોઠીમાં પેઠાં ને બૂંધે જઈ બેઠાં
ભૂંસી લૂછીને દાણા કાઢ્યા રે લોલ
સાઠ સાઠ વર્ષ લગી કોઠી રે ઠાલવી
પેટની કોઠી ના ભરાણી રે લોલ
સૂંડલી ભરીને ડોશી આવ્યાં આંગણિયે
દળણાંના દાણા સૂકવ્યાં રે લોલ
સૂકવીને ડોશી ચૂલામાં પેઠાં
થપાશે માંડ એક ઢેબરું રે લોલ
આંગણે ઊગેલો ગલકીનો વેલો
મહીંથી ખલુડીબાઈ નીકળ્યાં રે લોલ
કરાને ટોડલે રમતાં કબૂતરાં
ચણવા તે ચૂપચાપ આવિયાં રે લોલ
ખાસી ખોબોક ચણ ખવાણી ત્યાં તો
મેંડી હરાઈ ગાય આવી રે લોલ
ડોશીનો દીકરો પોઢ્યો પલેગમાં
હરાઈ ગાય કોણ હાંકે રે લોલ
હાથમાંનો રોટલો કરતો ટપાકા
દાણા ખવાતા ન જાણ્યા રે લોલ
રામા રાવળનો ટીપૂડો કૂતરો
ડોશીનો દેવ જાણે આવ્યો રે લોલ
ઊભી પૂછડીએ બાઉવાઉ બોલિયો
ડોશી ત્યાં દોડતી આવી રે લોલ
આગળિયો લઈ હાંફળી ને ફાંફળી
મેંડીને મારવા લાગી રે લોલ
ચૂલા કને તાકી રહી'તી મીનીબાઈ
રોટલો લઈને ચપ ચાલી રે લોલ
નજરે પડી ને ઝપ ટીપૂડો કૂદિયો
ડોશીની નોકરી ફળી રે લોલ
છેલ્લુંય ઢેબરું તાણી ગ્યો કૂતરો
દયણું પાશેર માંડ બાકી રે લોલ
‘એ રે પાશેર કણ પંખીડાં કાજે
મારી પછાડે નખાવજો રે લોલ
કોઠી ભાંગીને એના ચૂલા તે માંડજો
કરજો વેચીને ઘર કાયટું રે લોલ
-ઉમાશંકર જોશી
ઘર વેચીને કાયટું કરજો
ગાંધીયુગમાં ગરીબોની કઠણાઈનાં કાવ્યો રચનારા અગ્રણી કવિ તે ઉમાશંકર જોશી.
કાવ્યના પહેલા બે શબ્દો છે, ‘ખરા બપોર.' આકરો તાપ છે,ડોશી માટે આપદાના દિવસો ચાલે છે. ટોપિયાંમાં કે બરણીમાં કશું બચ્યું નથી,ડોશીએ દાણા કાઢવા કોઠીમાં ઊંડે ઊતરવું પડે છે. (મદદ કરનાર કોઈ નથી.) ‘બૂંધ' એટલે વાસણનું તળિયું.કોઠીમાંથી માંડ સૂંડલીભર (ટોપલીભર) દાણા નીકળે છે. ‘સાઠ સાઠ વર્ષ'- આજે સાઠ વર્ષની સ્ત્રીને કોઈ ડોશી ન કહે, પણ આ કાવ્ય ૧૯૩૨માં રચાયું હતું.ડોશીના ઘરની કોઠી ઊંડી છે, પણ પેટની કોઠી એથીયે વધુ ઊંડી છે- સાઠ વર્ષ સુધી અનાજ ઠાલવ્યા છતાં ભરાતી નથી!આંગણે દાણા સૂકવીને ડોશી રોટલો ઘડવા બેસે છે.(‘ચૂલે પેઠા' જેવા તળપદા પ્રયોગોથી ગામડાગામનું વાતાવરણ અદલોઅદલ રચાય છે.) એક જ ઢેબરું ઊતરી શકે એટલો લોટ બચ્યો છે. ડોશીના ભાગ્યમાં કંઈ બીજું જ લખાયું છે. ખલુડીબાઈ (ખિસકોલી) દાણચોરી કરવા આવી લાગે છે. ‘કરો' એટલે છાપરા તળેની ઢાળ-ઉતાર ચણતરવાળી દીવાલ. ‘ટોડલો' એટલે કમાનને ટેકો આપતું પડખાનું ચણતર.કબૂતરાં ચણવાને આવે ત્યારે ગુટર્ગુ કરતા નહિ પણ ચૂપચાપ આવે. કબૂતરાંએ ખાસી ખોબોક ચણ ખાવાનો લાભ ઉઠાવ્યો,જ્યારે કવિએ ‘ખ'કારની વર્ણસગાઈનો લાભ ઉઠાવ્યો.એવામાં હરાઈ ગાય ખાવાને આવી. તેને હાંકનાર દીકરો પલેગમાં મરી ગયો છે એટલું કવિએ સંયમપૂર્વક કહી દીધું છે.ટીપૂડા કૂતરાનું ભસવું સાંભળી ડોશી ગાયને મારવા ઊઠી,તેવામાં બિલાડી રોટલો તાણી ગઈ,જેની પાસેથી પડાવી લીધો કૂતરાએ.(કાવ્ય સવૈયા છંદમાં રચાયું છે,જે બાળકાવ્યો માટે પણ ઉપયુક્ત છે. વળી પ્રસંગો પણ બાળવાર્તાની શૈલીમાં વર્ણવાયા છે.આની પડછે કરુણ રસ વહી રહ્યો છે.) હવે ડોશીની મરણમૂડી તરીકે બચ્યું માત્ર પાશેર દયણું.ડોશી જીવવાની આશા છોડી દઈને કહે છે- આ દાણા મારી પાછળ પંખીડાંને વેરી દેજો,મારી ખમખાલી કોઠી ભાંગીને ચૂલા માંડજો,અને ઘર વેચીને કાયટું (શ્રાદ્ધવિધિ) કરજો.આટલું જ છે ડોશીનું વસિયતનામું. ડોશી દાણા ઉઘરાવવા ગામ પાસે હાથ લંબાવતાં નથી,કવિ પણ સહાનુભૂતિ ઉઘરાવવા વાચકોની આગળ કવિતા લંબાવતા નથી. દળણાંના દાણા જોઈ કબીરદાસે દુહો કહ્યો છે: ચલતી ચકિયા દેખ કે દિયા કબીરા રોય દો પાટોં કે બીચ મેં સાબુત બચા ન કોય
***