ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ખુશવદન ચંદુલાલ ઠાકોર


ખુશવદનલાલ ચંદુલાલ ઠાકોર

એઓ જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય અને ભરૂચના વતની હતા. એમને જન્મ માર્ગશીર્ષ સુદ ૬ સંવત ૧૯૫૬ના રોજ ભરૂચમાં થયો હતો. એમના પિતાનું નામ ચંદુલાલ ઉમેદરામ ઠાકોર અને માતાનું નામ ચંદ્રમણિ હતું. એમને માબાપનું સુખ લાંબો સમય મળેલું નહિ અને સાથે ગરીબાઈ પણ આવેલી. તેમ છતાં અનેક મુશ્કેલીઓ વચ્ચે એઓ વડોદરા કોલેજમાંથી બી. એ.,ની ડીગ્રી ઇંગ્રેજી ઇચ્છિત વિષય લઈને આનર્સ સહ, મેળવવા શક્તિમાન થયેલા, તે એમના ખંતપૂર્વક અભ્યાસ અને ઉત્તમ ચારિત્રનું ફળ હતું. તેઓ ચુસ્ત ખાદીધારી હતા; અને મહાત્માજીના આદર્શોને ઝીલવાને પૂરેપૂરો પ્રયત્ન કરતા. ભરૂચમાં એઓ જાહેર સેવા કાર્યથી આગળ આવી, વિદ્યાર્થી આલમમાં લોકપ્રિય થઈ પડ્યા હતા, થોડાક વખત પર એમણે ભરૂચમાં એક સારી માધ્યમિક શાળાની ખોટ હતી તે પૂરી પાડવા, પાયોનિયર હાઇસ્કુલ નામની એક નવી ઇંગ્રેજી નિશાળ કાઢી હતી. તે પગભર થાય, તેનું કંઇ ફળ આવે તે પૂર્વે તેઓ ભરયુવાન વયે મૃત્યુ પામ્યા છે, એ એક દુઃખદાયક બનાવ છે.

એમણે સન ૧૯૨૪માં મેકસ્વીની કૃત ‘Principles of Freedom’ એ પુસ્તકનો ‘સ્વતંત્રતાના સિદ્ધાંત’ એ નામે અનુવાદ કર્યો હતો; અને તે પુસ્તક ‘પ્રજાબંધુ’ પત્રે તેના ગ્રાહકોને ભેટ આપ્યું હતું. તે પછી ગયે વર્ષે (સન ૧૯૨૯માં) ગુ. વ. સોસાઇટીને લખી આપેલું પ્રો. બેરીકૃત ‘History of Freedom of Thought’ એ નામના પુસ્તકો ‘વિચાર સ્વાતંત્ર્યનો ઇતિહાસ’ એ નામે અનુવાદનું પુસ્તક, બહાર પડ્યું હતું. એમનો પ્રિયવિષય કાવ્યશાસ્ત્ર હતો.

ગ્રંથકાર ચરિત્રાવળીનું છાપેલું ફોર્મ એમના તરફથી ભરાઈ આવ્યું ત્યારે અમને સ્વપ્ને પણ ખ્યાલ નહિ કે આવું અણમૂલ્યું રત્ન આમ અકાળે તા. ૧૯મી માર્ચ ૧૯૨૯ને બુધવારે ક્રૂર કાળના મુખમાં ઝપટાઈ જશે.

એમના પુસ્તકોની યાદી:

૧ સ્વતંત્રતાના સિદ્ધાંતો. સન ૧૯૨૪
[Principles of Freedom]
૨ વિચાર સ્વાતંત્ર્યનો ઇતિહાસ. ”  ૧૯૨૯
[History of Freedom of Thought]