ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ચંદ્રશંકર અમૃતલાલ બુચ


ચંદ્રશંકર અમૃતલાલ બુચ,

બી. એ.,

એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. મૂળ વતની કચ્છ રાજ્યના મુન્દ્રા ગામના, અને જન્મ ભાદ્રપદ વદ ત્રીજ સં. ૧૯૫૨ના રોજ મુંબાઇમાં થયો હતો. એમના પિતાનું નામ અમૃતલાલ જટાશંકર બુચ છે. એઓએ મુંબાઇ યુનિવર્સિટીની બી. એ.ની પરીક્ષા સન ૧૯૧૮માં ઑનર્સ સહિત, ભાષા (સંસ્કૃત) વિષય લઈને બીજા વર્ગમાં પસાર કરી હતી; અને તે પછી પાંચ વર્ષ સુધી સેંટ ઝેવીઅર કૉલેજમાં તેમણે સંસ્કૃત અને ઇંગ્રેજીના અધ્યાપક તરીકે કામ કર્યું હતું. તેમજ મુંબઈની શ્રીમદ્ભગવદ્ગીતા પાઠશાળામાં ત્રણ વર્ષ શાસ્ત્રી તરીકે કામ કર્યું હતું. અત્યારે તેઓ સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપનીના કરાંચી ઑફીસના મેનેજર છે. એમનો પ્રિય વિષય સમાજશાસ્ત્ર છે. સન ૧૯૨૦માં સુરતમાંથી ‘ચેતન’ માસિક બહાર પડ્યું હતું, તેના પાછલા વર્ષમાં તેઓ સહતંત્રી હતા–પ્રથમ બટુભાઈ અને વિજયરાય વગેરે મંડળ સાથે અને પછી શ્રીમતી જ્યોત્સના બ્હેન શુક્લ સાથે. એમના છૂટક લેખો અને નાટિકાઓ તે પછી અવારનવાર માસિકોમાં આવતા રહી, તે વિચારપૂર્ણ જણાયાં છે. વળી “નાગરિક” નામનું એક ત્રિમાસિક તેઓ રા. ડોલરરાય માંકડ સાથે કરાંચીથી બહાર પાડે છે અને તેમાં પણ એમની વિદ્વત્તા અને સંસ્કારિતાની છાપ દૃષ્ટિગોચર થાય છે. હમણાં બહાર પડેલો એમનો રૂદ્ર, શિવ અને લિંગ સંપ્રદાય વિષેનો નિબંધ, એઓ ઐતિહાસિક અન્વેષણમાં કેટલા ઝીણા અને ઉંડા ઉતરેલા છે, એનો સરસ ખ્યાલ આપે છે અને એક મૌલિક લેખ તરીકે અભ્યાસી વર્ગમાં તેનો સારો સત્કાર થયલો, એના વિષે પ્રકટ થયલા અભિપ્રાય કહી આપે છે.

એમનો ગ્રંથ:

રૂદ્ર, શિવ અને લિંગ સંપ્રદાય સને ૧૯૨૯