ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/દુર્ગેશ તુળજાશંકર શુકલ
શ્રી. દુર્ગેશનો જન્મ તા. ૯-૯-૧૯૧૧ના રોજ રાણપુરમાં ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેલો. તેમનું મૂળ વતન વઢવાણ. તેમના પિતાનું નામ તુળજાશંકર શિવશંકર શુકલ. માતાનું નામ મોંઘીબહેન. પિતા પાલણપુર સ્ટેટની હાઈસ્કૂલમાં ચિત્રશિક્ષક હોવાથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમને ત્યાં મળેલું. ઈ.સ. ૧૯૩૫માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી તેઓ બી. એ. થયા અને એમ. એ.નો અભ્યાસ શરૂ કર્યો; પણ પ્રતિકૂળ સંજોગોને લીધે તે પરીક્ષામાં બેસી શક્યા નહિ. મુંબઈની શ્રી. ગોકળીબાઈ હાઈસ્કૂલમાં તેમજ હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલમાં દશેક વર્ષ શિક્ષકગીરી કર્યા બાદ હાલ તેઓ રાજકોટમાં એક મોટર વેચનારી પેઢીમાં કામ કરે છે. એમના માનસ તેમજ સાહિત્ય ઉપર વત્તીઓછી અસર કરનારાઓમાં ગ્રીક નાટકકારો અને ઈંગ્લાંડના બે મોટા કવિઓ–કીટ્સ અને બ્રાઉનિંગ-મુખ્ય છે. તે ઉપરાંત તેમના વ્યક્તિત્વના ઘડતરમાં સંસ્કૃત સાહિત્યના અભ્યાસનો પણ ગણનાપાત્ર ફાળો છે. એમની પ્રથમ કૃતિ ‘પૂજાનાં ફૂલ’ ઈ.સ. ૧૯૩૪માં પ્રગટ થઈ તેમાંની વાર્તાઓએ આશાસ્પદ લેખક તરીકે તેમને બહાર આણ્યા. ત્યારથી આજલગી રચાતી જતી કૃતિઓ દ્વારા કવિ અને વાર્તાકાર તરીકે શ્રી. દુર્ગંશની શક્તિ ઉત્તરોત્તર વિકસતી રહી છે. તેમનો પ્રિય સાહિત્યપ્રકાર નાટક છે, છતાં સૌથી વિશેષ પ્રમાણમાં તેમણે ટૂંકી વાર્તાઓ લખી છે. જીવન પ્રત્યેની વિશિષ્ટ મર્મયુક્ત વક્રદૃષ્ટિને લઈને બર્નાર્ડ શૉ અને સમરસેટ મૉમ તેમના પ્રિય લેખકો બન્યા છે. એમનાં લખાણો વિશેષતઃ મનોવિશ્લેષણાત્મક બન્યાં છે. તેમનો મનગમતો અભ્યાસવિષય પણ મનોવિજ્ઞાન છે. શ્રી. દુર્ગેશની વાર્તાઓ અને એકાંકી નાટકો સમાજના ઉપલા વર્ગના અધિકારીઓ કે શહેરના વાતાવરણને નિરૂપવા કરતાં હલકા ગણાતા વર્ગનું કે ગ્રામજીવનનું રહસ્ય બતાવવા તરફ વધુ વળેલાં છે. લેખકની ઊર્મિલ પ્રકૃતિ, સૌન્દર્યાનુભવ અને તરંગલીલા તેમનાં લખાણોને ઘણુંખરું ભાવનાપ્રધાન બનાવે છે. છતાં તેમને વાસ્તવજીવનનો પ્રત્યક્ષ વિશાળ અનુભવ છે. તેમની પાસે ધરતીનાં દુઃખી માનવીઓને અવલોકવાની દૃષ્ટિ છે અને જિવાતા જીવનને સાકાર કરવાની કલા પણ છે. તેમની ઘણી કૃતિઓનો મુખ્ય રસ કરુણ હોય છે. તેમના ‘પૃથ્વીનાં આંસુ’, એ નાટકસંગ્રહમાં સંજ્ઞાત્મક (Symbolic) અને વાસ્તવલક્ષી-એમ બે પ્રકારનાં નાટકો સંગ્રહાયેલાં છે. સંજ્ઞાત્મક નાટકો વિશેષે ઊર્મિપ્રધાન છે અને વાસ્તવલક્ષી નાટકો મોટે ભાગે દૃશ્યાત્મક છે. તેમનાં ‘પંડનાં પતીકાં’, ‘હૈયે ભાર’ અને ‘મેઘલી રાતે’, જેવાં એકાંકી નાટકોએ આપણા ગરીબ નાટ્યસાહિત્યમાં સારો ઉમેરો કર્યો છે. તાજેતરમાં એમના મિત્ર ડૉ. વસંત અવસરેનાં ત્રીસેક મરાઠી કાવ્યોના અનુવાદ સાથે ‘ઝંકૃતિ’ નામે એક કાવ્યસંગ્રહ નાગરી લિપિમાં એમણે પ્રકટ કર્યો છે. તેમનો ‘ઉત્સવિકા’ નામનો નાટિકાસંગ્રહ કિશોરોપયોગી દૃશ્ય નાટકો પૂરાં પાડે છે.
કૃતિઓ
કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧. પૂજાનાં ફૂલ *વાર્તાસંગ્રહ *૧૯૩૪ *૧૯૩૪ દિવેટિયા એન્ડ સન્સ, અમદાવાદ *મૌલિક
૨. છાયા *વાર્તાસંગ્રહ *૧૯૩૫-૩૬ *૧૯૩૭ *“નવચેતન’ કલકત્તા *મૌલિક
૩. પલ્લવ *વાર્તાસંગ્રહ *૧૯૩૮ *૧૯૪૦ *ગતિ ગ્રંથમાળા, અમદાવાદ *મૌલિક
૪. વિભંગ કલા *નવલકથા *૧૯૩૬ *૧૯૩૭ *નવયુગ ગ્રંથમાળા, રાજકોટ *મૌલિક
૫. પૃથ્વીનાં આંસુ *નાટિકાસંગ્રહ *૧૯૪૦-૪૧ *૧૯૪૨ *પોતે *મૌલિક
૬. ઉર્વશી અને યાત્રી *કાવ્યસંગ્રહ *૧૯૪૦-૪૧ *૧૯૪૪ *પોતે *મૌલિક
૭. ઉત્સવિકા *નાટ્યસંગ્રહ *૧૯૪૫-૧૯૪૯ *૧૯૪૯ ડૉ. વસંત અવસરે, શાંતાક્રુઝ *ત્રણ સિવાય સઘળાં મૌલિક
૮. ઝંકૃતિ *કાવ્યસંગ્રહ(ડૉ. અવસરેની સાથે) *૧૯૪૯ *૧૯૪૯ *પોતે *અનુવાદ અને મૌલિક
અભ્યાસ-સામગ્રી
- ‘પૂજાનાં ફૂલ’ માટે-૧. ઈ.સ. ૧૯૩૪નું ગ્રંથસ્થ વાઙ્મય. ૨. ‘કૌમુદી’, ડિસેમ્બર, ૧૯૩૪.
- ‘છાયા’ અને ‘પલ્લવ’ માટે–‘પરિભ્રમણ’ ભા. ૩–સ્વ. મેઘાણી
- ‘પલ્લવ’ માટે-ઇ.૧૯૪૯નું ગ્રંથસ્થ વાઙ્મય.
- ‘પૃથ્વીનાં આંસુ’ માટે-૧. ઈ.સ. ૧૯૪૨નું ગ્રંથસ્થ વાઙ્મય.
- ૨. ‘રેખા’ ઑક્ટોબર, ૧૯૪૨
- ‘ઉર્વશી અને યાત્રી’ માટે, શ્રી. હીરાબહેન પાઠકઃ ‘ઊર્મિ’, ડિસેમ્બર, ૧૯૪૫
- ‘ઉત્સવિકા’ માટે ‘રેખા’ માર્ચ ૧૯૫૦
***