ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ધનજીભાઈ ફકીરભાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ધનજીભાઈ ફકીરભાઈ

શ્રી ધનજીભાઈ ફકીરભાઈનો જન્મ તેમના મૂળ વતન વડોદરામાં ઈ. ૧૮૯૫ના માર્ચ માસની ૨૩મી તારીખે થએલો. તેમના પિતાનું નામ ફકીરભાઈ માવજીભાઈ; માતાનું નામ લક્ષ્મીબાઈ; જ્ઞાતિ હિંદી ખ્રિસ્તી. ઈ. ૧૯૨૦માં શ્રી. એલન સાથે તેમનું પ્રથમ લગ્ન થયું હતું. તેઓ ગુજરી જતાં તેમનું દ્વિતીય લગ્ન ઈ. ૧૯૩૭માં શ્રી. ફલોરા સાથે થયું છે. વડોદરાની ‘મેથોડિસ્ટ’ મિશન સ્કૂલમાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધેલું. ત્યારપછી વડોદરા કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કરી તેઓ ઈ. ૧૯૧૯માં બી. એસસી. થયા અને ઈ. ૧૯૨૯માં કલકત્તાની શ્રીરામપુર કૉલેજમાંથી બી. ડી. (‘બેચલર ઓફ ડિવિનિટી’)ની ઉપાધિ તેમણે મેળવી. ગુજરાત કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના વિભાગમાં ત્રીસેક વર્ષ સુધી અધ્યાપનકાર્ય બજાવીને તાજેતરમાં તેઓ નિવૃત્ત થયા છે. સાધુ સુંદરસિંગ અને કવિ ન્હાનાલાલના પ્રત્યક્ષ સંસર્ગે તેમજ તેમનાં પુસ્તકો–વ્યાખ્યાનોએ તેમના વ્યક્તિત્વને ઘડ્યું છે. બાઇબલે અને એન્ડ્રુ મરેનાં પુસ્તકોએ પણ તેમની ભાવના વિકસાવવામાં ઓછો ફાળો આપ્યો નથી. વિદ્યાર્થી-અવસ્થામાં તેમને કવિતા લખવાનો શોખ હતો, પણ સમય જતાં ધર્મવિષયક અને વિજ્ઞાનવિષયક નિબંધાકારી લખાણો લખવા તરફ વલણવધતાં કાવ્યરચના બંધ પડી અને નિબંધો લખવાની પ્રવૃત્તિ વિકસવા લાગી. ઈ. ૧૯૨૩માં ગુજરાત વિદ્યા સભા તરફથી ગુજરાતીમાં ‘પદાર્થ વિજ્ઞાન’નું પુસ્તક રચવાનું તેમને સોંપાતાં લેખક તરીકેની આત્મશ્રદ્ધા તેમનામાં દૃઢ બની. તેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ પોતે સમજેલા વિષયોને જનતા માટે સરળ અને સુલભ બનાવી જ્ઞાનનો પ્રસાર કરવાનો છે. એમનો પ્રિય ગ્રંથ બાઈબલ છે. નિબંધ એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે. વિજ્ઞાન, ઉત્ક્રાન્તિક્રમ અને ધર્મ તેમના અભ્યાસ તેમજ લેખનના મુખ્ય વિષયો છે. અમદાવાદની ‘ગુજરાત સાહિત્ય સભા’ અને ‘ગુજરાત પ્રકૃતિ મંડળ’માં તેઓ સક્રિય રસ લે છે. સર્વગ્રાહી વિષય લઈ જુદા જુદા દૃષ્ટિબિંદુથી તેની ચર્ચા કરવાની તેમની નિબંધપદ્ધતિ ખાસ નોંધપાત્ર છે. વિષયને મૂળમાં ઊતરી સરળ તેમજ તર્કયુક્ત વ્યવસ્થાથી તેને સમજાવવાની અને વિવિધ રીતે વિકસાવવાની ફાવટ તેમણે વિજ્ઞાનવિષયક પાઠ્યપુસ્તકોના લેખનમાં સફળપણે બતાવી છે. ગુજરાત વિદ્યાપીઠની ‘પારિભાષિક શબ્દકોષ સમિતિ’ના સભ્ય તરીકે તેમણે ઉત્સાહપૂર્વક કામ કર્યું છે અને સાહિત્યપરિષદોના વિજ્ઞાન વિભાગમાં તેમણે વિદ્વતાપૂર્ણ નિબંધો લખેલા છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧. પદાર્થ વિજ્ઞાન ભા.૧ *વિજ્ઞાન *૧૯૨૪ *૧૯૩૪ *ગુજ. વિદ્યા સભા, અમદાવાદ *અનુવાદ
૨..વિજ્ઞાન-વ્યાખ્યાન માળા *ભાષણો *૧૯૨૪ *૧૯૩૪ *ગુજ. વિદ્યા સભા, અમદાવાદ *મૌલિક
૩. વિદ્યુત માર્ગદર્શક *હુન્નર *૧૯૩૪ *૧૯૩૫ *એસ. બી. શાહની કું, અમદાવાદ *મૌલિક
૪. વિદ્યુત માર્ગદર્શક (મરાઠી) *હુન્નર *૧૯૩૪ *૧૯૩૭ *એસ. બી. શાહની કું, અમદાવાદ *મૌલિક
૫. વિદ્યુત માર્ગદર્શક (હિંદી) *હુન્નર *૧૯૩૪ *૧૯૪૯ *પોતે *મૌલિક
૬. Intermediate Practical Physics *વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક *? *૧૯૩૫ *એસ. બી.શાહની કું. *મૌલિક
૭. College practical physics F. Y. Sc. *વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક *? *૧૯૩૭ *એસ. બી.શાહની કું. *મૌલિક
૮. પદાર્થ વિજ્ઞાન?(હાઈસ્કૂલ માટે) *વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક *? *૧૯૩૭ *એસ. બી.શાહની કું. *મૌલિક
૯. રસાયણ વિજ્ઞાન (હાઇસ્કુલ માટે) *વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક *? *૧૯૪૧ *એસ. બી.શાહની કું. *મૌલિક
૧૦. સૃષ્ટિ ૫રિચય ભા. ૧-૨-૩*વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક *? *૧૯૩૮થી ૧૯૪૦ *એસ. બી.શાહની કું. *મૌલિક
૧૧. આધ્યાત્મિક જીવન ભા. ૧ *ધર્મવિષયક લખાણો *? *૧૯૪૨ *પોતે *સંપાદન
૧૨. વિજ્ઞાન સાહિત્યની સમીક્ષા *વિવેચન *૧૯૪૧ *૧૯૪૨ *ગુ. સા. સભા,અમદાવાદ *મૌલિક
૧૩. વિજ્ઞાન સાહિત્યની સમીક્ષા *વિવેચન *૧૯૪૫-૪૬-૪૭ *૧૯૪૭, ૧૯૫૦ *ગુ. સા. સભા,અમદાવાદ *મૌલિક

***