ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/શબ્દકોષ

શબ્દકોષ

આ દાયકે પારિભાષિક શબ્દોના અને સાથે જોડણીના કોશોનાં કેટલાક મહત્ત્વનાં પુસ્તકો પ્રગટ થયા છે. જો કે હજી પારિભાષિક શબ્દોની રચનામાં છેવટનો નિર્ણય તદ્વિદો તરફથી મળ્યો નથી તેમજ વહેતા મુકાએલા શબ્દો સર્વમાન્ય કે ચલણી બનશે જ એવું કહી શકાય તેમ પણ નથી, તેમ છતાં લગભગ તમામ શબ્દપ્રયોગ પાછળ તેના યોજકની કોઈ ને કોઈ સૈદ્ધાંતિક વિચારશ્રેણિ તો કામ કરતી થઈ ગઈ છે. ‘ભગવદ્ ગોમંડળ': ગોંડલનરેશ શ્રી. ભગવતસિંહની અવિરત શ્રમસાધનાના અને વિદ્વત્તાના ફળરૂપ આ બૃહત્ શબ્દકોશ અત્યાર સુધીમાં લગભગ દોઢેક હજાર પાનાંના પ્રત્યેક એવા પાંચ ગ્રંથોમાં 'અ' થી 'નિ' સુધીના વર્ણોથી શરૂ થતા શબ્દોને સમાવે છે. એમાં બધા મળીને લગભગ દોઢેક લાખ શબ્દોનો અને દસેક હજાર રૂઢિપ્રયોગોનો સમાવેશ થયેલો છે. શબ્દોનાં મૂળ અને તેમના શક્ય તેટલા બધા જ અર્થો તેમાં ઠાંસી ઠાંસીને ભરવાનો પ્રયત્ન થયો છે. એકંદરે આજ સુધીમાં શબ્દકોશ યોજવાના થયેલા અખતરાઓમાં આને ભગીરથ પ્રયત્ન કહી શકાય. એમાં તદ્વિદોને કદાચ અર્થશુદ્ધિ, શાસ્ત્રીયતા કે ચોક્કસતાની ખામી કાઢવી હશે તો નીકળશે, પણ એમાંનું સમૃદ્ધ શબ્દભંડોળ ભાવી કોશકારને વિપુલ કાચા માલ તરીકે તો સારી પેઠે ખપ લાગશે, એમાં સંશય નથી. 'સાર્થ જોડણીકોશ': ગાંધીજીની પ્રેરણાથી વિદ્યાપીઠે તૈયાર કરેલા આ ગ્રંથની આ ચોથી સુધારેલી વધારેલી આવૃત્તિ છે. અગાઉની આવૃત્તિઓમાં શબ્દોની કેવળ જોડણી, તેના અર્થ, તેના ઉચ્ચાર અને કુલ શબ્દસંખ્યાના બેતાળીસ ટકા જેટલા તત્સમ શબ્દોની વ્યુત્પત્તિ મુકાઈ હતી. પ્રસ્તુત નવીન સંસ્કરણમાં શબ્દભંડોળ આશરે પોણો લાખની સંખ્યાએ પહોંચ્યું છે; એમાં લગભગ તમામ શબ્દોની વ્યુત્પત્તિ ઉપરાંત શબ્દપ્રયોગો અને વિવૃત્ત એ-ઓ, હ-કાર તથા ય-કાર શ્રુતિ, બે અનુસ્વાર ને અલ્પપ્રયત્ન ય-કારનાં વિશિષ્ટ ઉચ્ચારણો પણ બતાવ્યાં છે. બાહ્ય કદ તેમજ અંતરંગની દૃષ્ટિએ આ આવૃત્તિમાં ગુજરાતી શબ્દકોશને શકય તેટલો સંપૂર્ણ બનાવવાનો પ્રયત્ન થયો છે. જોડણીની શુદ્ધ અને શાસ્ત્રીય વ્યવસ્થા કરવામાં, અર્થની બાબતમાં, ઉચ્ચારણની વિશિષ્ટતા તથા શબ્દપ્રયોગોના નિદર્શનમાં આ કોશ આજ લગી પ્રગટ થયેલા કોશોમાં સૌથી વિશેષ શુદ્ધ અને પ્રમાણભૂત છે, પણ વ્યુત્પત્તિમાં કોશને છાજે તેવી શાસ્ત્રીયતા તેમાં સચવાઈ નથી. એમાં અનેક શબ્દોની વ્યુત્પત્તિ કેવળ તર્ક અને અનુમાનથી દોરાઈને આપવામાં આવી છે ને ઘણે સ્થળે શંકાસૂચક પ્રશ્નચિહ્ન મૂકીને ચલાવી લેવું પડ્યું છે. પરિણામે, કોશનું આ મહત્ત્વનું અંગ વિકૃત બની ગયું હોઈ જુદી જુદી દિશામાંથી તેની આ આવૃત્તિ ટીકાપાત્ર બની છે. 'વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ': શ્રી. પોપટલાલ ગો. શાહે તૈયાર કરેલ વૈજ્ઞાનિક પરિભાષાના પુસ્તકની આ સુધારેલી વધારેલી બીજી આવૃત્તિ છે. નાગરી લિપિમાં આખો કોશ છાપ્યો છે. વિજ્ઞાનની ૨૫ જુદી જુદી શાખાઓના પારિભાષિક શબ્દોના અહીં ગુજરાતી પર્યાયો આપ્યા છે. વિદ્યાર્થીઓ, કારખાનામાં કામ કરતા કારીગરો અને આમવર્ગને લક્ષમાં રાખીને આ કોશ તૈયાર કરવામાં આવ્યો છે. આરંભમાં સંયોજકે મૂકેલી અંગ્રેજી તથા ગુજરાતી પ્રસ્તાવનાઓમાં વૈજ્ઞાનિક પરિભાષા નક્કી કરવાની પિતાની પદ્ધતિ તથા તદ્વિષયક સિદ્ધાંતોને વિશદતાથી સમજાવેલ છે. ‘અર્થશાસ્ત્રની પરિભાષા' : એમાં અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઉપયોગી પારિભાષિક અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાયો જાણીતા અર્થશાસ્ત્રી શ્રી. વિઠ્ઠલદાસ કોઠારીએ તૈયાર કર્યો છે. વિષયનો અભ્યાસ, શિક્ષણનો અનુભવ અને શાસ્ત્રીય પદ્ધતિ ત્રણેનો ઉપયોગ લેખક પરિભાષાને સંગીન બનાવવામાં કર્યો છે. પ્રત્યેક શબ્દના પર્યાયને તે શબ્દને લગતી યોગ્ય અર્થસમજૂતી સંક્ષેપમાં આપીને બંધ બેસાડયો છે. બૅંક, બોનસ ઇત્યાદિ અત્યંત રૂઢ થઈ ગયેલા અંગ્રેજી શબ્દોના કૃત્રિમ ગુજરાતી પર્યાયો યોજવાની રૂઢિચુસ્તતાથી તે મુક્ત રહ્યા છે. અર્થશાસ્ત્રનાં ગુજરાતી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આ પુસ્તિકા અવશ્ય પ્રાથમિક ભૂમિકાની ગરજ સારશે. શ્રી. અરવિંદ કાર્યાલય તરફથી ‘દાર્શનિક શબ્દાવલિ' આ દાયકામાં પ્રગટ થયેલ છે. શ્રી. અરવિંદે પોતાની તત્ત્વચર્ચામાં જે પારિભાષિક શબ્દો અંગ્રેજીમાં નિયોજ્યા હતા તેના હિંદી, ગુજરાતી, બંગાળી અને મરાઠી પર્યાયોનો આ કોશ છે. પુસ્તકને અંતે જોડેલી ‘શબ્દાર્થરેખા'માં મુખ્ય અંગ્રેજી શબ્દપ્રયોગોની અંગ્રેજીમાં સમજૂતી આપી છે. અરવિંદ-તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને આ ગ્રંથ અવશ્ય ઉપયોગી થઈ પડશે. “‘જન્મભૂમિ' પારિભાષિક જ્ઞાનકોશ-૧ : રાજકારણ” મૂળ હિંદીમાં પ્રગટ થયેલ શ્રી. સુખસંપત્તિરાય ભંડારીના 'અંગ્રેજી-હિંદી શબ્દકોશ'ના રાજકારણ વિભાગનો શ્રી. કાન્તિલાલ શાહે કરેલો અનુવાદ છે. એમાં રાજકારણના લગભગ બધા જ મહત્ત્વના પારિભાષિક શબ્દપ્રયોગો અને તેના ગુજરાતી પર્યાયવાચી શબ્દોનો સમાવેશ થયો છે. રાજકારણના અભ્યાસના આકારગ્રંથ જેવું આ પુસ્તક છે. ડૉ. યશવંત ગુ. નાયકે ફાર્બસ સભા તથા ગુજરાત વિદ્યાપીઠ તરફથી કે તૈયાર કરવામાં સંગીન સહાય આપી છે. ‘પદાર્થવિજ્ઞાન અને રસાયણનો પારિભાષિક શબ્દકોશ’ મુંબઈ વિદ્યાપીઠને આશ્રયે તેમણે તૈયાર કરેલ એક નાનો કોશ છે. એ જ પ્રમાણે નવજીવન કાર્યાલયે ‘વિદ્યાપીઠ પરિભાષા સમિતિ'એ તૈયાર કરેલ 'વિજ્ઞાનની પરિભાષા'માં પદાર્થવિજ્ઞાનના ૧૦૨૪ અને રસાયણવિજ્ઞાનના ૬૧૫ પારિભાષિક શબ્દો પ્રસિદ્ધ કર્યા છે. આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠ તરફથી 'હિંદી-ગુજરાતી કોશ' તથા વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડે તેવા ગુજરાતી, અંગ્રેજી, હિંદી શબ્દકોશો, અને રૂઢિપ્રયોગો તથા કહેવતનાં પુસ્તકો કેટલાક લેખકો પાસેથી આ દાયકે મળ્યાં છે, જે એકંદરે તેના સંયોજનના હેતુને સફળ બનાવે છે. દેશની તમામ ભાષાઓમાં વિવિધ વિષયોની પરિભાષાનું એકસરખું ધોરણ જળવાય અને પ્રાંતપ્રાંતમાં વિચારવ્યવહારની સરલતા થાય તે સારું એક બૃહત્ કોશ તૈયાર કરવાની યોજના લાહોર ઇંટરનેશનલ ઍકેડેમી ઑફ ઈન્ડિયન કલ્ચરે દેશના અગ્રણી વૈજ્ઞાનિકોની મદદથી આ દાયકાની શરૂઆતમાં જ તૈયાર કરેલી; પરંતુ તેનું હજી સુધી કંઈ પરિણામ આવ્યું જણાતું નથી. કદાચ વચગાળામાં અકસ્માત ઉદ્ભવેલી પ્રતિકૂળ રાજકીય પરિસ્થિતિ તેનું કારણ હશે. દિલ્હીમાં એવી જ પ્રવૃત્તિની શરૂઆત છેલ્લાં કેટલાંક વર્ષોથી થઈ છે. એ પ્રવૃત્તિ તો મ્હોરે ત્યારે ખરી, પણ તેની સાથે સાથે દરેક ભાષામાં જ્ઞાનની પ્રત્યેક શાખાના યથાર્થ અધ્યયન-અધ્યાપન સારું સંપૂર્ણ પારિભાષિક કોશ યોજવાની આવશ્યક્તા ઊભી જ છે.