ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ચન્દ્રશંકર પ્રાણશંકર શુક્લ


ચંદ્રશંકર પ્રાણશંકર શુકલ

એઓ જ્ઞાતે શ્રીગૌડ બ્રાહ્મણ; અને ગોધરાના મૂળ વતની છે. જન્મ પણ એ જ સ્થળે સન ૧૯૦૧માં થયો હતો. એમના પિતાનું નામ પ્રાણશંકર દુર્ગાશંકર શુકલ અને માતાનું નામ રેવાબાઇ છે. એમનું લગ્ન રેવાકાંઠા એજન્સી તાબે, વીરપુરમાં સન ૧૯૧૯ માં સૌ. રમાબ્હેન સાથે થયું હતું. એમણે પ્રાથમિક કેળવણી ગોધરા અને ઝાલોદમાં લીધેલી. ઈંગ્રેજી શિક્ષણ ગોધરામાં લીધેલું; અને વર્ગમાં પણ ઉંચો નંબર રાખતા તે કારણે તેમને ઈનામ અને સ્કોલરશીપ મળતાં રહેતાં. તેમણે મેટ્રીકની પરીક્ષા તેલંગ હાઈસ્કુલ ગોધરામાંથી સન ૧૯૧૯ માં પહેલે નંબરે પાસ કરી હતી અને યુનિવ્હસિર્ટીમાં પસાર થયેલા વિદ્યાર્થીઓમાં તેઓ ૧૯ મા નંબરે આવ્યા હતા. તે પછી ગુજરાત કૉલેજમાં દાખલ થયેલા; અને અભ્યાસ સારો એટલે પ્રિવિયસ અને ઇન્ટરમાં રૂ. ૧૦ અને રૂ. ૧૨ની અનુક્રમે સ્કોલરશીપો મેળવેલી. તે અરસામાં મહાત્માજીએ સરકારી શાળા, કૉલેજો સાથે અસહકાર જાહેર કર્યો, તેને માન આપી તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયલા અને અત્યારે તેઓ તેના એક અધ્યાપક તરીકે કાર્ય કરે છે. એઓ જણાવે છે કે એમને આચાર્યશ્રી કાકાસાહેબ કાલેલકર પાસેથી ખૂબ પ્રેરણા અને બળ મળ્યાં છે. એમના અભ્યાસનો પ્રિય વિષય ઇતિહાસ છે. એમનું પ્રથમ પુસ્તક “સીતાહરણ” બહાર પડ્યું ત્યારે તેનો વિદ્વાન-સાહિત્યવર્ગ તરફથી સારો સત્કાર થયો હતો; અને તેની ત્રણ આવૃત્તિ ટુંક સમયમાં થઈ છે, એ જ એ પુસ્તકની સફળતા તેમ ઉપયોગિતા સિદ્ધ કરે છે. “ચીનનો અવાજ” એ જાણીતા અંગ્રેજ લેખક જી. લૉવેઝ ડિકિન્સનના Letters from John Chinaman’નો અનુવાદ છે અને તે એક વાંચવાલાયક પુસ્તક છે. પ્રસ્તુત પુસ્તક એમના માનસિક વલણનો સહજ પરિચય કરાવશે. શાન્ત રીતે પણ સંગીન કાર્ય કરવામાં તેઓ પ્રવૃત્ત રહે છે. વિદ્યાર્થી તરીકે એમની કારકિર્દી જેમ યશસ્વી નિવડી હતી તેમ દેશસેવા કરવામાં પાર્થિવ લાભથી નહિ લોભાતાં, જે ત્યાગવૃત્તિ ધારણ કરી છે, તે પ્રશસ્ય છે અને એમની પાસેથી પ્રજાને જે કાંઇ મળશે તે બેશક આદરપાત્ર નિવડશે.

: : એમની કૃતિઓ : :

૧. સીતા હરણ (ત્રણ આવૃત્તિ) સન ૧૯૨૩
૨. ચીનનો અવાજ*  ”  ૧૯૨૭

* G. Lowes Dickinson ‘Letters from John Chinaman’નું ભાષાંતર-ટિપ્પણ સહિત–