ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ


ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ

એઓ જ્ઞાતિએ રાયકવાળ બ્રાહ્મણ છે. એઓ મૂળ વતની જંબુસર તાબે ઉબેરના; અને જન્મ સન ૧૯૦૧ માં રેવાકાંઠામાં આવેલા જબુગામમાં થયો હતો. એમના પિતાનું નામ મણિશંકર હરગોવિંદભાઈ ભટ્ટ અને માતાનું નામ ચંચળબા છે. એમના પિતા ગ્રેજ્યુએટ હતા; પ્રો. ગજ્જર સાથે વડોદરા કલાભુવનમાં કેટલુંક સંગીન કાર્ય કરવામાં તેમને સાહાયભૂત હતા. ‘સર્વદર્શન સંગ્રહ’ નામના માધવાચાર્ય રચિત સંસ્કૃત ગ્રન્થનો ગુજરાતીમાં એમણે તરજુમો કર્યો હતો. કેટલોક વખત કેળવણી ખાતામાં રહ્યા હતા; તે સાથે શ્રીમન્નૃસિંહાચાર્યની ધાર્મિક પ્રવૃત્તિથી પ્રેરણા અને બળ પામીને તેઓ શ્રી શ્રેયઃ સાધક અધિકારી વર્ગમાં જોડાયા હતા અને ‘મહાકાલ’, ‘સદુપદેશ શ્રેણી’ તથા ‘લઘુ લેખમાળા’ વગેરેમાં વખતોવખત લેખોવ્યાખ્યાનો દ્વારા પ્રશંસનીય કાર્ય કરતા હતા. એ લેખન અને સાહિત્ય સંસ્કાર એમના પુત્રમાં ઉતર્યા છે. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરા અને આણંદમાં લીધું હતું. સન ૧૯૨૫માં દક્ષિણામૂર્તિ બાલમન્દિર-ભાવનગરમાં તેઓ રહેલા અને ત્યાંથી શ્રીયુત ગિજુભાઈ બધેકા પાસેથી તાલીમ લઈ તેમ પ્રેરણા પામી બાલસેવા કરવાની વૃત્તિ તેમના દિલમાં પ્રકટી. તે પછી તેઓ ચરોતર એજ્યુકેશન સોસાઈટી તરફથી પ્રકટ થતા ‘બાલમિત્ર’ માસિકના તંત્રી નિમાયા અને એમના તંત્રીપદ હેઠળ એ પત્ર બાલકોમાં પ્રિય તેમ આકર્ષક થઈ પડ્યું છે; તેમાં એમનો હિસ્સો ઓછો નથી. બાલસાહિત્ય ઉભું કરવાની ધગશ એમના દિલમાં કેટલી ઉંડી વ્યાપિ રહેલી છે, તે નીચે આપેલી એમની બાલકૃતિઓ પરથી સમજાશે. ‘બાલમિત્ર’ વાર્ષિકના બે અંક કાઢીને ગુજરાતી પત્રકારિત્વમાં એક નવીન ભાત પાડેલી; પરંતુ દુભાગ્યે તેનો ત્રીજો અંક કાઢવાનો પ્રસંગ આવ્યો નહિ. છેલ્લાં ચાર વર્ષથી તે ‘ગુણસુન્દરી’નો ‘બાલક અંક’ પણ એડિટ કરે છે. તેઓ દર માસે ‘ગુણસુંદરી’નો બાલ વિભાગ એડિટ કરે છે; અને હમણાં ચાલુ અહિંસક રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવા ચરોતર એજ્યુકેશન સોસાઈટીની નોકરી છોડી, સુરતમાં વાનરસેનાની સેવા કરી રહ્યા છે; અને તેમને પ્રોત્સાહન તેમજ બળ અર્પવાને ‘વાનર સેના’ નામનું એક અઠવાડિક કાઢે છે. બાલસાહિત્ય ઉભું કરવામાં જે ગણી ગાંઠી વ્યક્તિઓ નજરે પડે છે, તેમાં એમના નામનો સમાવેશ થાય છે.

: : એમના ગ્રંથો : :

ચાર બાલ-સંવાદો સન ૧૯૨૭
કુમાર વીરસેન (૨જી આવૃત્તિ)  ”
બાલમિત્રની વાતો ભા. ૧  ”
સિન્દબાદ શેઠ સન ૧૯૨૮
બાલમિત્રની વાતો ભા. ૨  ”
નળ-દમયન્તી સન ૧૯૨૮-૨૯
દેવ કથાઓ (બીજી આવૃત્તિ)  ”
અંગુઠીઆભાઈ ()  ”
વીર-કથાઓ ભા. ૧ ()  ”
૧૦ રામો ()  ”
૧૧ કા’નો ભરવાડ ()  ”
૧૨ બ્હેન (બાલ-નાટક) ()  ”