ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ભાઈચંદ પૂજાદાસ શાહ

ભાઇચંદ પૂજાદાસ શાહ

એઓ જ્ઞાતિએ દશા દિશાવાળ વણિક છે. એમનો જન્મ તા. ૨૫મી સપ્ટેમ્બર ૧૮૭૬–સં. ૧૯૪૨ના આસો સુદી ૮ ને સેમવાર-ના રોજ એમના વતન સાદરામાં થયો હતો. એમના પિતાનું નામ પૂજાદાસ ઝવેરદાસ અને માતુશ્રીનું નામ જમનાબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૪૪ ના વૈશાખ સુદી ૧૧ના રોજ સાદરામાં રા. હેમચંદ હરિભાઈની પુત્રી શ્રીમતી સુરજબાઈ સાથે થયું હતું. એમણે પ્રાથમિક કેળવણી સાત ધોરણ સુધી સાદરામાં લીધી હતી. બેએક ધોરણ ઇંગ્રેજીના ત્યાં શિખેલા; એવામાં શરીર બગડતાં આગળ અભ્યાસ કરવાનું મૂકી દઈ સાદરાની શાળામાં આસિસ્ટંટ શિક્ષક તરીકે રૂ.૧થી–રૂ.૪ જેટલા જુજ પગારથી જોડાયલા, અત્યારે તેઓ ડભોડા તાલુકા સ્કૂલના હેડમાસ્તર છે; અને એ ધંધામાં સારી નામના અને પ્રતિષ્ઠા મેળવનાર મહેતાજીઓમાં એમની ગણના થાય છે. એઓ માત્ર વિદ્યાર્થીઓને શિખવી બેસી રહ્યા નથી; પરંતુ તેમને અભ્યાસમાં મદદગાર થઈ પડે એવું વાચનસાહિત્ય ઉભું કરવાને સતત્‌ પ્રયત્ન કરતા રહ્યા છે, એ એમના ગ્રંથોની યાદી જોવાથી જણાશે; અને એ પ્રવૃત્તિના કારણે તેઓ સાહિત્યપ્રવાહ સાથે નિકટ સંબંધ જાળવી રહ્યા છે અને તેમાંથી યથાશક્તિ જે કાંઈ પ્રાપ્ત થયું તેનો લાભ તેઓ પોતાના શિષ્યોને હમેશ આપતા રહ્યા છે. એક બાહોશ સાહિત્યપ્રેમી શિક્ષક અને લેખક તરીકે તેમનું નામ સદા યાદ રહેશે.

: : એમની કૃતિઓ : :

૧. મહીકાંઠા એજન્સિની સરળ ભૂગોળ સન ૧૯૧૪
૨. મહીકાંઠા એજન્સિની સામાન્ય ભૂગોળ (છ આવૃત્તિ)  ”
૩. ઇડર સંસ્થાનની સામાન્ય ભૂગોળ (ચાર આવૃત્તિ)  ”
૪. ભૂગોળની મુખ્ય સંજ્ઞાઓ (બે આવૃત્તિ)  ”
૫. બાળગીત સંગ્રહ (ત્રણ આવૃત્તિ)  ”  ૧૯૧૫
૬. પાલણપુર એજન્સિની સામાન્ય ભૂગોળ  ”  ૧૯૧૮
૭. પાલણપુર સંસ્થાનની સામાન્ય ભૂગોળ(ત્રણ આવૃત્તિ)  ”
૮. રાધનપુર સંસ્થાનની સામાન્ય ભૂગોળ  ”
૯. બાળ આંકપોથી  ”  ૧૯૧૯
૧૦. ભૂગોળનો પદ્યપાઠ  ”  ૧૯૨૧
૧૧. ઈતિહાસનો પદ્યપાઠ  ”
૧૨. સંવાદ સંગ્રહ ભા. ૧ લો.  ”
૧૩. સંવાદ સંગ્રહ ભા. ૨ જો  ”  ૧૯૨૨
૧૪. સંવાદ માળા-મણકો ૧ લો  ”
૧૫. બાળગીત સંગ્રહ ભા. ર જો  ”  ૧૯૨૪
૧૬. સરળ દેશી હિસાબ ભા. ૧લો.  ”
૧૭. ગુજરાતના ઇતિહાસની સચિત્ર સહેલી વાર્તાઓ
(ત્રણ આવૃત્તિ)
 ”
૧૮. સંવાદ સંગ્રહ ભા-૩ જો  ”  ૧૯૨૮
૧૯. સંવાદમાલા-મણકો ર જો.  ”