ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ભાઈશંકર કુબેરજી શુક્લ
એઓ જ્ઞાતિએ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ છે. મૂળ વતની મોરબીના અને ત્યાં જ તેમનો જન્મ તા. ૧૮ મી જાન્યુઆરી ૧૮૭૯ માં થયો હતો. એમના પિતાનું નામ કુબેરજી નાનાભાઈ, જેઓ કર્મકાંડમાં બહુ નિપૂણ લેખાતા; ભાગવતના ખાસ અભ્યાસી અને રાજદરબારમાં શુક્લ તરીકે એમનું સન્માન થતું હતું. એમના માતુશ્રીનું નામ રામબાઈ, જે સ્વભાવે બહુ સુશિલ અને મમતાળુ હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે મોરબીમાં જ લીધું હતું. હાઈસ્કુલમાં એમના શિક્ષક (પાછળથી પ્રોફેસર) કાશીરામ સેવકરામ દવે હતા, જેમની એમના પર ઉંડી છાપ પડી હતી. તેમના ભાઈ શુક્લ પુરૂષોત્તમ કુબેરજી શાસ્ત્રી છે અને સંસ્કૃતમાં શિઘ્ર કાવ્ય કરે છે. એમનું પ્રથમ લગ્ન સન ૧૮૯૨ માં મોરબીમાં દયાકુંવરબ્હેન સાથે થયું હતું અને તે ગુજરી જવાથી તેમનું બીજું લગ્ન માણેકબાઈ સાથે થયું છે. પોતે રેલ્વેની નોકરીમાં છે તેમ છતાં સાહિત્ય સાથે નિકટ સંબંધ રાખેલો છે; અને પિતા પાસેથી જે ઉન્નત સંસ્કારો વારસામાં મળેલા તેને રફતે રફતે વિકસાવી ખીલવ્યા છે, જેનો પરિચય આપણને એમનાં કાવ્ય પુસ્તકોમાં થાય છે. વળી પાંચમી અને સાતમી સાહિત્ય પરિષદમાં દુઃશાસન રૂધિર પાન ઉપર વિવેચન અને શિઘ્ર કવિ શંકરલાલ મહેશ્વરના સંસ્મરણો એ નામથી નિબંધો લખી મોકલ્યા હતા. દોડધામનું અને વ્યવસાયી જીવન હોવા છતાં, તેમાંથી સમય કાઢી આ રીતે સાહિત્યના ઉન્નત સંસ્કારોને પોષવા અને વિકસાવવાનો પ્રયત્ન તેઓ સેવી રહ્યા છે, તે ખરેખર પ્રશસ્ય છે; અને અન્યને એમાંથી પ્રેરણા મળી રહે, એવી એમની પ્રવૃત્તિ છે.
: : એમના ગ્રન્થો : :
| હૃદય રંગ – પ્રથમ કિરણ | ઇ. સ. ૧૯૦૪ |
| ””દ્વિતીય કિરણ | ”૧૯૦૭ |
| ””તૃતીય કિરણ | ”૧૯૧૦ |
| રસ મંજરી | ”૧૯૨૦ |
| કાવ્ય વિલાસ | ”૧૯૨૬ |