ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/મગનલાલ શંકરભાઈ પટેલ
એઓ જાતે કડવા પાટીદાર, મૂળ પાટણના વતની અને જન્મ કાઠિયાવાડમાં માંગરોળ બંદરમાં સં. ૧૯૩૫માં થયો હતો. એમના પિતાનું નામ શંકરભાઈ દેવચંદભાઈ પટેલ અને માતાનું નામ ગોમતીબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૪૬માં પાટણમાં કાશીબાઈ સાથે થયું હતું. એઓ પ્રાથમિક અભ્યાસ માંગરોળમાં પૂરો કરી, રાજકોટ હંટર મેલ ટ્રેનિંગ કૉલેજમાં જોડાયલા; અને સન ૧૮૯૪માં બીજા વર્ષમાં પાસ થતાં, અમદાવાદ વધુ અભ્યાસ કરવા જવાની તક સાંપડેલી; પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે એ લાભ જતો કરી, તેઓ માંગરોળ સ્ટેટમાં જુથળ ગામમાં શિક્ષક તરીકે નિમાયલા. ત્યાં દશ વર્ષ સંતોષકારક કામ કર્યા પછી હજુર ઑફીસમાં ગયેલા; અને ત્યાંથી વળા સ્ટેટે ભાયાત એસ્ટેટના કારભારી તરીકે તેમને પસંદ કરેલા. અહિં તેમણે ‘કડવા હિતેચ્છુ’ નામનું માસિક પ્રથમ કાઢવા માંડેલું. લેખન વાચનનો શોખ મૂળથી, તેને ઉપરનું કાર્ય ઉપાડી લેવાથી નવું જોર મળેલું; ત્યારથી એમના તરફથી સોળેક પુસ્તકો પ્રકટ થયલાં છે, જેમાં ‘સાદી શિખામણ’ના આઠ ભાગો બોધક હોઈ લોકપ્રિય નિવડ્યાં છે. એઓ ઉદ્ધવ સંપ્રદાયના અનુયાયી છે; અને નીતિ અને ભક્તિના અંશો એમના લખાણમાં મુખ્યત્વે નજરે પડે છે તે એ અસરનું પરિણામ છે. સ્વભાવે તેઓ શાન્ત તથા મિલનસાર અને સેવાભાવવાળા છે. જેમની સાથે એમને કામ કરવાનો પ્રસંગ પડેલો છે, તે સૌ તરફથી ઉત્તમ પ્રશંસાપત્ર મેળવેલા છે; એટલે એમના ગ્રંથોની પેઠે એમના જીવન સાફલ્યની કુંચી, ધાર્મિક મનોવૃત્તિ, સદાચાર, કર્તવ્યનિષ્ઠા અને સતત્ ઉદ્યોગ છે. એક ટ્રેનિંગ કૉલેજના બીજા વર્ષમાં પાસ થયલો સ્કોલર કેટલી ઉંચી પાયરીએ પહોંચી શકે અને લોકોપયોગી સેવા કરી શકે, એનું સરસ દૃષ્ટાંત એમનું જીવન પૂરૂં પાડે છે.
: : એમની કૃતિઓ : :
| ૧. | કપોળવતી | સન ૧૮૯૩ |
| ૨. | સુખી સદન | ” ૧૮૯૫ |
| ૩. | એકાદશીનો મહિમા | ” ૧૮૯૬ |
| ૪. | શિખામણની ધાત | ”” |
| ૫. | બોધ વચન | ”” |
| ૬. | જ્ઞાન દીપક | ” ૧૯૦૫ |
| ૭. | માનસિંહ અભયસિંહ | ” ૧૯૦૬ |
| ૮. | સાદી શિખામણ પુ. ૧ | ” ૧૯૨૭ |
| ૯. | ””પુ. ૨ | ” ૧૯૨૮ |
| ૧૦. | ””પુ. ૩ | ”” |
| ૧૧. | ””પુ. ૪ | ”” |
| ૧૨. | ””પુ. ૫ | ” ૧૯૨૯ |
| ૧૩. | ””પુ. ૬ | ”” |
| ૧૪. | ””પુ. ૭ | ” ૧૯૩૦ |
| ૧૫. | ””પુ. ૮ | ”” |