ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/મનમોહનભાઈ પુરૂષોત્તમભાઈ ગાંધી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મનમોહનભાઇ પુરૂષોત્તમભાઇ ગાંધી

(એમ. એ; એફ. આર. ઇ. એસ; એફ એસ. એસ.)

એઓ જ્ઞાતિએ વીસા શ્રીમાળી વૈશ્ય-જૈનધર્મી-મૂળ વતની લીંબડીના–હાલ વ્યવસાયાર્થે કલકત્તામાં વસે છે. એમના પિતાનું નામ પુરૂષોત્તમભાઈ કહાનજી ગાંધી અને માતાનું નામ ઉજમબાઈ નાનજી શેઠ છે. શ્રીયુત પુરૂષોત્તમભાઇનું નામ ગઈ સદી ના સાહિત્યલેખકોમાં સારૂં જાણીતું હતું. તેમનાં કેટલાંક પુસ્તકો જેવાં કે રમુજમાળા, કંજુમના કમની કહાણી, બાળકની માવજત અને કેળવણી અત્યારે પણ વાંચવાયોગ્ય જણાશે. શ્રીમન્નથુરામ શર્માના એક અનુયાયી તરીકે એમના ગ્રંથોનાં પ્રકાશનમાં તેઓ મદદ કરતા હતા. આમ એમના પર સંસ્કારિતા સાહિત્ય અને ધર્મના ઉચ્ચ સંસ્કાર પડેલ, તે એમના પુત્રોમાં ઉતરી આવ્યા છે, એ આનંદ પામવા જેવું છે. એમના મોટાભાઈ શ્રીયુત નાગરદાસ પુરૂષોત્તમ ગાંધીએ પણ ઉંચી કેળવણી અને સંસ્કાર મેળવ્યા છે. તેઓએ વિલાયત જઇ ખનીજશાસ્ત્ર અને ધાતુશોધનની ઉચી ડીગ્રી મેળવી છે અને ૧૨ વર્ષમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એ વિષયના પ્રોફેસર છે. એમનો જન્મ તા. ૫ મી નવેમ્બર ૧૯૦૧ ના રોજ જુનાગઢમાં થયો હતો; અને પ્રાથમિક શિક્ષણ એમણે તે જ સ્થળે મેળવ્યું હતું. માધ્યમિક કેળવણી જુનાગઢ લીંબડી અંને મુંબાઈમાં લીધેલી. સન ૧૯૧૯માં મેટ્રીક થયલા. ઉંચી કેળવણી બહુધા જુનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં લીધેલી. ત્યાં સન ૧૯૨૧ માં ઇન્ટરની પરીક્ષામાં સ્કોલરશીપ પણ મળેલી. પાછળથી ગુજરાત કૉલેજમાં જોડાયલા અને ત્યાંથી સન ૧૯૨૩ માં બી. એ. ની પરીક્ષા ઇતિહાસ અને અર્થશાસ્ત્ર એ ઐચ્છિક વિષયો લઇને પાસ કરી હતી. એમને એ અભ્યાસ અહિંથી અટક્યો નહિ પણ તે વધારીને સન ૧૯૨૫ માં તેઓએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી એમ. એ. ની પરીક્ષા પહેલે નંબરે પસાર કરી હતી. આ પ્રમાણે એક વિદ્યાર્થી તરીકેની એમની કારકિર્દી ઉજ્જ્વળ અને યશસ્વી નિવડી છે. સન ૧૯૨૬ માં એમનું લગ્ન વઢવાણ શહેરમાં સૌ. રંભાગૌરી સુખલાલ શાહ સાથે થયેલું છે. અભ્યાસ સાથે તેઓ સાહિત્યમાં પણ રસ લેતા હતા; અને તેના પરિણામે સર મનુભાઈ મહેતા ઇનામીની હરિફાઈમાં ઉતરી હિન્દના કરનું આધુનિક અર્થશાસ્ત્ર એ વિષય પરના નિબંધ માટે વડોદરા સાહિત્યસભાનું પ્રાઇઝ મેળવ્યું હતું. એ જ રીતે મુંબાઈ યુનિવર્સિટી તરફથી મંગાવાતાં નિબંધો માટે હરિફાઇમાં ઉતરી સન ૧૯૨૫ માં એશબર્નર પ્રાઇઝ ‘હિન્દમાં કાપડના ઉદ્યોગનો ઇતિહાસ’ એ વિષય પર અંગ્રેજી ભાષામાં નિબંધ લખીને પ્રાપ્ત કર્યું હતું. તે નિબંધને યોગ્ય સુધારાવધારા કરીને ગયે વર્ષે પુસ્તકરૂપે પ્રકટ કર્યું છે. હિન્દી અર્થશાસ્ત્ર અને ઉદ્યોગ વિષે એમના પ્રકીર્ણ લેખો જુદા જુદા માસિકો અને વર્તમાનપત્રોમાં અવારનવાર આવતા રહે છે; અને તે ધ્યાનપૂર્વક વંચાય છે. પણ એ બધામાં હાલમાં સૌનું ધ્યાન આકર્ષાય એવું પુસ્તક–એમણે ગયે વર્ષે પ્રસિદ્ધ કરેલો મીઠા પરનો પ્રબંધ monograph છે, જેનો ગુજરાતીમાં ‘સબરસ’ એ નામથી અનુવાદ થઇ ચૂકેલો છે. એમના પ્રિય વિષયો અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ઈતિહાસ છે. એમના જીવન પર મહાત્માજીના ઉપદેશની પ્રબળ અસર થયલી છે, એમ તેઓ જણાવે છે. હાલમાં તેઓ કલકત્તામાં ઇન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સના સેક્રેટરી છે; જેવું સ્થાન મુંબાઇમાં ઇન્ડિયન મર્ચંટ ચેમ્બરમાં ભાઇ જયસુખલાલ ભોગવે છે, તેવું ઉંચું સ્થાન તેમણે કલકત્તામાં પ્રાપ્ત કરેલું છે. ઇન્ડિયન ચેમ્બર ઓફ કેમર્સના મંત્રી હોવા ઉપરાંત તેઓ ૧૯૨૯-૧૯૩૦ માં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બરના સેક્રેટરી હતા; અને ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની હિન્દી શાખા હિન્દુસ્તાનમાં ૧૯૨૯માં સ્થપાઈ ત્યારથી ૧૯૨૯-૩૧ સુધી તેઓ તેના પહેલા માનદ્‌ સેક્રેટરી હતા. એક બાહોશ ગુજરાતી તરીકે તેમણે જે કીર્તિ ત્યાં સંપાદન કરી છે, તે માટે ખરે, ગુજરાત મગરૂરી લઈ શકે. એઓ હમણાંજ “પરદેશી કાપડની હરિફાઇ કેમ કરવી” એ વિષય ઉપર એક ઈંગ્રેજી ગ્રન્થ બહાર પાડ્યો છે, તેમાં આચાર્ય પી. સી. રૉયની પ્રસ્તાવના છે અને તે પુસ્તક મૂળ લખાયેલું ત્યારે મહાત્માજી જેલમાં જોઈ ગયા છે. તે પુસ્તકનો અનુવાદ તૈયાર થઈ રહ્યો છે અને તે મહાત્માજીની પ્રસ્તાવના સાથે ગુજરાતી, હિન્દી, તેમજ બંગાળીમાં થોડા વખતમાં બહાર પડશે. આંતર રાષ્ટ્રીય મજુર પરિષદ જે ૧૯૩૧ ના મે મહિનામાં જીનીવા ખાતે ભરાવાની છે તેમાં મિલમાલિકોના પ્રતિનિધિના સલાહકાર તરીકે તેમનું નામ સૂચવાયું છે, તે પરથી તેમના કાર્યનું મહત્વ અને મૂલ્ય સમજાશે. ૧૯૩૦ માં કલકત્તામાં સ્થપાયેલ સ્વદેશી પ્રચાર સમિતિના મંત્રી તરીકે પણ તેમની નિમણુક થયેલ છે.

: : એમણે પ્રકાશન કરેલા ગ્રંથો. : :

હિન્દના કરનું આધુનિક અર્થશાસ્ત્ર સન ૧૯૨૫
Why ૧s. ૬d. Ratio is Ruinous to India સન ૧૯૨૬
Common Salt  ”  ૧૯૩૦
Indian Cotton Textile Industry-૯૫ Past, Present and Future  ”
How to compete with foreign cloth  ”  ૧૯૩૧